સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વીરપુર ખાતે દેશ-વિદેશથી ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતાં અને મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વિરમગામ સહિતના શહેરોમાં પણ ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી.
ગુજરાત સહિતના અનેક શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી હતી. વીરપુર મંદિર જલારામ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો.
સમસ્ત વિરમગામ લોહાણા પરિવારએ શહેરના શહેરના માંડલ રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ઉજવણી કરી હતી અને શોભાયાત્રા કાઢી હતી. સુરતમાં અનેક જગ્યાએ ભંડારા કરવામા આવ્યા હતા જેમાં હજારો લોકોએ પ્રસાદી લીધી હતી. શહેરના અનેક મંદિરોમાં બાપાની જન્મજયંતિની ઉજવણી સાથે જય જય જલારામનો જયજયકારથી અનેક મંદિરો ગુંજી ઉઠ્યા હતાં. સુરતના બાલાજી રોડ ખાતે આવેલા જલારામ મંદિરમાં વહેલી સવારથી દર્શન, અન્નકુટ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.












