ટાટા સ્ટીલ યુકેએ સોમવારે પોર્ટ ટાલ્બોટ સ્થિત કંપની ખાતે ટાટા સ્ટીલની સ્ટેટ ઓફ આર્ટ ઇલેક્ટ્રીક આર્ક ફર્નેસની સ્થાપના માટે ભૂમિપૂજન કર્યુ હતું. આ પ્રસંગે ટાટા ગ્રુપ અને ટાટા સ્ટીલના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, બ્રિટન સરકારના પ્રધાનો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ચંદ્રશેખરન ઉપરાંત કાર્યક્રમમાં ટાટા સ્ટીલના સીઇઓ ને મેનેજીંગ ડાયરેક્ટર ટીવી નરેન્દ્રન અને ટાટા સ્ટીલ યુકેના સીઇઓ રાજેશ નાયર પણ હાજર રહ્યા હતા. ભૂમિપૂજનમાં ટાટા સ્ટીલના આ ઉચ્ચ અધિકારીઓએ કોદાળી વડે જમીન ખોદીને સત્તાવાર રીતે નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ બ્રિટનની સૌથી મોટી લો- કાર્બન સ્ટીલમેકિંગ સુવિધા બનશે. ઓછા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન સાથે £1.25 અબજના ખર્ચે નિર્માણાધીન આ પ્લાન્ટમાં £500 મિલિયનનું રોકાણ બ્રિટન સરકારે કર્યું છે. આ નવી ઇલેક્ટ્રીક આર્ક ફર્નેસ 2027માં કામ કરતી શરુ થઇ જશે. તેનાથી પોર્ટ ટાલ્બોટ સ્થિત ટાટા પ્લાન્ટ ખાતે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 90 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે. ઉત્સર્જનમાં આટલા ઘટાડાનો અર્થ વાર્ષિક 5 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ થાય છે. આ પ્લાન્ટ ખાતે ઊચ્ચ ગુણવત્તાવાળું ટકાઉ સ્ટીલ ઉત્પાદિત થવાની સાથે જ અહીં બ્રિટનમાં સીધી પાંચ હજાર જોબ્સનું સર્જન થશે. કાર્યક્રમ પહેલા ટાટા ગ્રુપના ચેરમેને કહ્યું હતું કે ટાટા ગ્રુપ, ટાટા સ્ટીલ અને બ્રિટન માટે આજનો દિવસ મહત્ત્વનો છે. આજની ભૂમિપૂજનની વિધિ નવી ઇલેક્ટ્રીક આર્ક ફર્નેસનો પ્રારંભ જ નથી બલ્કે તે બ્રિટનમાં ટકાઉ નિર્માણના નવા યુગનો પ્રારંભ પણ છે. પોર્ટ ટાલ્બોટ ખાતે અમે સ્વચ્છ, હરિત ભવિષ્યનો પાયો નાખી રહ્યા છીએ, રોજગારને સપોર્ટ કરી રહ્યા છીએ. તેમજ જવાબદાર ઉદ્યોગ નેતૃત્વ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દાખવી રહ્યા છીએ.

LEAVE A REPLY