
વિમ્બલડનમાં આ વખતે ભારે ગરમી પડી રહી છે અને હિટવેવ વચ્ચે પીવાનું પાણી ભરવાના કેટલાક રિફીલ પોઇન્ટ્સ બંધ થઇ જવાને કારણે ગયા સપ્તાહે પુરી થયેલી ટેનિસ ટુર્નામેન્ટ દરમિયાન પ્રસંશકોને પાણી વિના ટળવળવાનો વારો આવ્યો હતો. વિમ્બલડનના પ્રાયોજક એવિયન પણ તે વખતે કફોડી સ્થિતિમાં મુકાયા હતા, તેણે પોતાની નવી ઇકો-ફ્રેન્ડલી બોટલ્સનું વેચાણ બંધ કરવુ પડયુ હતું કારણ કે ગ્રાહકો તે બોટલ્સનો આખો દિવસ પાણી માટે ઉપયોગ કરશે તેવી અપેક્ષા હતી.
ટુર્નામેન્ટના 147વર્ષના ઇતિહાસમાં આ વખતે અત્યારસુધીની સૌથી ગરમી પ્રભાવિત ટુર્નામેન્ટ રહ્યાનું મનાઈ રહ્યું છે અને આ વખતે ગરમીને કારણે વિમ્લબડનની કાર્લોસ અલ્કારાઝ અને ટેલર ફ્રિત્ઝ વચ્ચેની મેચ પણ પ્રભાવિત થઇ હતી. ભારે ગરમીને કારણે બે પ્રસંશકો બીમાર પડયા બાદ ગેમ બે વાર અધવચ્ચે રોકવાની ફરજ પડી હતી. મેચ દરમિયાન પારો 31 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો.
એવિયનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ વખતનું એકદમ ગરમીનું વાતાવરણ તથા ખેલાડીઓ અને પ્રેક્ષકો બંને વચ્ચે એવિયન રિફીલ સિસ્ટમની લોકપ્રિયતાને કારણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માંગમાં વધારો થયો હતો. તેના પરિણામે અમારે એવિયન રિફિલિંગ ઓફર કરવાનું બંધ કરવાની ફરજ પડી હતી. કંપનીએ તીવ્ર ગરમીની સ્થિતિને દોષ દેતા કહ્યું હતું કે ગરમીને કારણે પ્રેક્ષકો અને ખેલાડીઓમાં પાણીની માગમાં વધારો થયો હતો.
