Amit Chavda became Leader of Opposition in Gujarat Assembly
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પરેશ ધનાની, અમિત ચાવડા (વચ્ચે) અને રાજીવ સાતવ (ANI Photo)

કોંગ્રેસે ગુરુવારે, 17 જુલાઇએ શક્તિસિંહ ગોહિલના સ્થાને અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરાઈ હતી. તુષાર ચૌધરી આ હોદ્દા પર ચાવડાનું સ્થાન લેશે.

એઆઈસીસીના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે અમિત ચાવડાને તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીની નિમણૂકના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. પાર્ટી આઉટગોઇંગ પીસીસી પ્રમુખ શક્તિસિંહ ગોહિલના યોગદાનની પ્રશંસા કરે છે.”

અગાઉ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી હતી, જ્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડી બેઠક પર જીત મેળવી હતી. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં હતાં. બંને વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારોએ નિરાશાજનક દેખાવ કર્યો હતો.

રાજીનામાની જાહેરાત કરતાં શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પેટાચૂંટણીના પરિણામો અમારી અપેક્ષાઓ મુજબ ન હોવાથી, મેં મારા પક્ષની હારની નૈતિક જવાબદારી લીધી છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. મેં મારા રાજીનામાનો પત્ર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મેઇલ કર્યો છે.
રાજ્યસભાના સભ્ય ગોહિલને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા જૂન 2023માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતાં.

LEAVE A REPLY