ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૯.૪૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૯૮,૫૦૩ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૮૧૭એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૦૬ ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૮ ડેમને હાઈ એલર્ટ, ૧૯ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૨ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૪૧ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૩૮ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ચાલુ ચોમાસું સીઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૫ જુલાઈની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૬૮.૨૩ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૯.૪૨ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૯.૬૨ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૮ જુલાઇ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
