ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીની સફાઈ એક મોટું મુદ્દો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે કહ્યું હતું કે કેજરીવાલના 10 વર્ષના શાસન દરમિયાન યમુના સાફ થઈ નથી અને હવે તે યમુનાને સાફ કરવા માટે મોટે પાયે પગલાં ભરશે. તાજેતરમાં દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) યમુના નદી અંગે રીપોર્ટ જાહેર કર્યો હતો. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂનની સરખામણીએ જુલાઈમાં નદીમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે. આ રીપોર્ટ 17 જુલાઈએ આવ્યો હતો અને નદીમાંથી નમૂનાઓ 1 જુલાઈએ લેવામાં આવ્યા હતા. યમુના નદી પલ્લા વિસ્તારમાંથી દિલ્હીમાં પ્રવેશે છે અને લગભગ 22 કિલોમીટર સુધી વહે છે. નદીમાં ફિસલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ITO ખાતે તેનું સ્તર 92,00,000 MPN/100 ml હતું, જે નિર્ધારિત મર્યાદાથી 4000 ગણું વધારે છે. આથી જાણવા મળે છે કે, યમુનામાં સતત સિવરેજનો પ્રવાહ વધી રહ્યો છે. યમુનામાં હજી પણ વિશાળ પ્રમાણમાં ગંદું પાણી પ્રવાહિત થઈ રહ્યું છે. દિલ્હીમાં 22 નાળાઓ સીધા યમુનામાં જાય છે.
