ભારતીય નાગરિકતા

રાજકોટમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ ‘ભારતીય નાગરિકતા એનાયત’ કરવામાં આવી હતી. રાજકોટમાં જિલ્લા ક્લેક્ટર તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો.
આ અવસરે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ‘જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો..” ત્યારે ઉપસ્થિત લોકોએ “ભારત માતા કી જય”ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા.
પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા સંઘવીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.
એક ડોક્ટર દીકરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા-પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું. આવા દેશમાંથી આવેલા આ મૂળ ભારતના લોકો “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે, એમ તેમણે ગૌરવભેર કહ્યું હતું.

LEAVE A REPLY