
ભારતે માલદિવ્સ માટે રૂ.4,859 કરોડની આર્થિક સહાય જાહેર કરી હતી અને ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે આગળ વધવા માટે બંને દેશ સહમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમુદ્રના દ્વિપસમૂહોમાં સૌથી વધુ ભરોસાપાત્ર મિત્ર હોવા બાબતે નવી દિલ્હીને માલદિવ્સનું ગર્વ છે. માલદિવ્સના વાર્ષિક દેવાના બોજમાં 40 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય પણ ભારતે જાહેર કર્યો હતો. જેનાથી માલદિવ્સ પરનું આર્થિક ભારણ 51 મિલિયન ડોલરથી ઘટીને 29 મિલિયન ડોલર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદિવ્સ મુલાકાત દરમિયાન શુક્રવારે પ્રેસિડેન્ટ મોહમદ મુઈજ્જુ અને વડાપ્રધાન મોદી વચ્ચે વેપાર, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે મંત્રણા થઈ હતી, જે પછી બંને દેશ વચ્ચે છ સમજૂતીની જાહેરાત કરાઈ હતી. આ ક્ષેત્રમાં માછીમારી અને દરિયાઈ જીવ સૃષ્ટિ, હવામાન, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુપીઆઈ, ભારતીય દવાઓ અને ભારત તરફથી આર્થિક સહાયનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા માટે મિત્રતા પહેલા આવે છે. અમારી મિત્રતા ઈતિહાસ કરતા પણ વધારે જૂની છે અને તેનું ઊંડાણ દરિયા જેવું અગાધ છે. છેલ્લા ઘણાં સમયથી માલદિવ્સ અને ભારતના સંબંધોમાં તણાવ ઊભો થયો હતો.
