શિબુ સોરેન

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, રાજ્યસભા સાંસદ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે અવસાન થયું હતું. તેઓ ૮૧ વર્ષના હતા. તેઓ એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ગંભીર હતી.
શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને Xના પર પિતાના મૃત્યુની જાણ કરતાં જણાવ્યું હતું કે પ્રિય દિશામ ગુરુજી આપણને છોડીને ચાલ્યા ગયા છે. મેં આજે બધું ગુમાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ આ આદિવાસી નેતાના મોત અંગે દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન જણાવ્યું હતું કે તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને દલિત વર્ગના સશક્તિકરણ માટે ઉત્સાહી હતા. તેમના નિધનથી દુઃખ થયું. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનજી સાથે વાતચીત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.

રાજકારણમાં ચાર દાયકાની કારકિર્દીમાં, સોરેન આઠ વખત લોકસભામાં ચૂંટાયા હતા અને બે વખત રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી હતી, હાલમાં તેમની રાજ્યસભાની બીજી મુદત ચાલુ હતી.

સંથાલ સમુદાયમાં જન્મેલા શિબુ સોરેને બિહારથી અલગ ઝારખંડ રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.. તેમણે 1972માં ડાબેરી ટ્રેડ યુનિયન નેતા એકે રોય અને કુર્મી મહતોના નેતા બિનોદ બિહારી મહતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી. શિબુ સોરેન ઝારખંડ રાજ્યની સ્થાપનાની ચળવળનો મુખ્ય ચહેરો બન્યા, વર્ષ 2000માં ઝારખંડની રચના થઈ હતી.

શિબુ સોરેન 2 માર્ચ 2005ના રોજ પહેલી વાર મુખ્યપ્રધાન બન્યા હતાં, પરંતુ બહુમતી સાબિત ન કરી શક્યા હોવાથી તેમણે દસ દિવસમાં રાજીનામું આપવું પડ્યું. 27 ઓગસ્ટ 2008એ શિબુ સોરેન બીજી વાર ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતાં.

 

LEAVE A REPLY