ગુજરાતના અમરેલી જિલ્લાના એક ગામની સીમમાં શનિવારે એક સિંહણ મૃત હાલતમાં મળી આવી હતી. અગાઉ ત્રણ સિંહ બાળના મોત થયા હતાં. આનાથી કોઇ ગંભીર વાયરસની ચિંતા ઊભી થઈ હતી અને સ્થાનિક ધારાસભ્યે આ મુદ્દે તપાસ કરવા વન વિભાગને પત્ર લખ્યો હતો.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે મંડારડી ગામની સીમના ખેતરમાં પુખ્ત સિંહણ મૃત હાલતમાં મળી આવી હતી, જેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ પશુ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પુષ્ટિ થઈ કે પ્રાણીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.
સ્થાનિક નેતાઓએ વન વિભાગને વિનંતી કરી કે તેઓ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) જેવા કોઈ ગંભીર વાયરસના પ્રકોપને કારણે મૃત્યુ થયા છે કે કેમ તે શોધવા માટે સંપૂર્ણ તપાસ કરે.ભૂતકાળમાં CDVના કારણે અનેક સિંહોના મૃત્યુ થયા હતાં અને લોકો ચિંતિત છે.
ધારી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય જે વી કાકડિયાએ વન મંત્રી મુળુ બેરાને લખેલા પત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે”વન વિભાગનું કામ સંતોષકારક જણાતું નથી. એશિયાઈ સિંહો ફક્ત આપણા ગીર વિસ્તારમાં જ જોવા મળે છે અને તેમનું સંરક્ષણ અને સલામતી વન વિભાગ માટે જ નહીં પરંતુ સ્થાનિક લોકો માટે પણ ચિંતાનો વિષય છે.
શેત્રુંજી વન્યજીવન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ધનંજય સાહુએ જણાવ્યું હતું કે જાફરાબાદ રેન્જમાંથી લગભગ ચાર મહિનાના બે સિંહ બાળા બિમાર હાલતમાં મળ્યાં હતા અને તેમની સારવાર ચાલુ કરાઈ હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું, જેનું મુખ્ય કારણ એનિમિયા અથવા ન્યુમોનિયા હતું.
