અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રત્યે અને ખાસ કરીને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ગિન્નાયા છે અને દેખિતી રીતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાના મુદ્દે પણ વાસ્તવમાં તેનું વર્ચસ્વ નહીં સ્વિકારવાના ભારતના, મોદીના વલણના પગલે ખૂબજ ઉશ્કેરાયેલા દેખાતા ટ્રમ્પે ગયા સપ્તાહે ગુરૂવારે (અમેરિકાના સમય મુજબ બુધવારે) ભારત સામે વધુ 25 ટકા, એમ કુલ 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી.
નવી ટેરિફનો અમલ 27 ઓગસ્ટથી શરૂ થવાનું પણ ટ્રમ્પે આદેશમાં જણાવ્યું હતું. જાહેરાત અને અમલ વચ્ચેના 21 દિવસના ગાળામાં ટેરિફ મુદ્દે બન્ને દેશો વચ્ચેની મંત્રણા સફળ થવાની આશા ભારતીયોને, દેશના વેપાર – ઉદ્યોગને તથા ખાસ કરીને સરકારને હતી. એ માહોલ વચ્ચે બીજા દિવસે ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે ભારત ટેરિફ મુદ્દે પોતાના વલણમાં પરિવર્તન નહીં કરે, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બન્ને દેશો વચ્ચે હવે ટ્રેડ ડીલ માટે મંત્રણાઓ પણ આગળ નહીં ધપાવાય.
આ રીતે, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાના ઓઠા હેઠળ ટ્રમ્પે ભારત સામે એક તરફ ટેરિફની તલવાર વધુ ઝનૂનપૂર્વક વિંઝી છે, તો ભારતે પણ તેને મચક નહીં આપવાનું મક્કમ વલણ દાખવ્યું છે અને સોમવારે (11 ઓગસ્ટ) મળતા વિશ્વસનીય સંકેતો મુજબ હવે ભારત પણ વળતો ઘા મારી અમેરિકાથી થતી આયાતો ઉપર આકરા ટેરિફ લાદશે. વડાપ્રધાન મોદીએ જાહેર સંબોધનમાં પણ કહી દિધું છે કે ભારતીય ખેડૂતો, માછીમારો, નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતોનું જતન તેમના માટે સર્વોપરિ છે, તે મુદ્દે કોઈપણ બાંધછોડ નહીં કરાય.
આ મુદ્દે જરૂર પડ્યે પોતે વ્યક્તિગત રીતે ભોગ આપવા પણ સજ્જ છે. તો બીજી તરફ, ટ્રમ્પના સમર્થકોને બાદ કરતાં અમેરિકાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ પણ ટ્રમ્પના જીદ્દી વલણના પગલે લાંબા સમયથી માંડ માંડ મજબૂત બનેલા ભારત – અમેરિકાના સંબંધો ફરી ખાડે જવાની દહેશત વ્યક્ત કરી છે.
ભારત સરકારે વિગતો રજૂ કરી એવું ય કહ્યું છે કે, ભારત કરતાં તો ખુદ અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન પણ રશિયા પાસેથી ઘણુ વધારે ક્રુડ આયાત કરતા રહ્યા છે.
અગાઉ, ટ્રમ્પના વેપાર સલાહકારે પણ ભારત પરના વધારાના ટેરિફ વિષે પોતાનો અભિપ્રાય આપતા ભારતને ‘ટેરિફ કા મહારાજ’ કહીને વધારાના ટેરિફને પણ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, રશિયન ક્રુડ ખરીદવા બદલ ચીન ઉપર વધારાના ટેરિફ નહીં લાદવા અંગે તેમણે કહ્યું હતું કે અમેરિકાએ પહેલાથી જ ચીન ઉપર એટલી હદે ટેરિફ લાદી દીધા છે કે તેના પર વધુ ટેરિફ જાહેર કરાય તો તે અમેરિકાને પરેશાન કરવાનું શરૂ કરી શકે.
ભારતે આ પગલાની ટીકા કરી વધારાના ટેરિફને અન્યાયી અને અવિવેકી ગણાવ્યા હતા. પ્રારંભિક પ્રતિભાવમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત તેના હિતોનું રક્ષણ કરવા માટે કંઈ પણ કરશે. અને રાજકીય તેમજ મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ વધુ મહત્ત્વના ઘટનાક્રમમાં એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા વર્ષો પછી, ટુંક સમયમાં ચીનના પ્રવાસે જવાના છે, તો રશિયાના પ્રમુખ પુતીને પણ આ વર્ષે ભારતની મુલાકાત લેવાની જાહેરાત કરી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમ ટ્રમ્પના ભારત વિરોધી વલણના સંદર્ભમાં આકાર લઈ રહ્યાના સ્પષ્ટ સંકેતો છે, કે ભારત હવે પછી અમેરિકા પ્રત્યે વધુ સાનુકુળ વલણ નહીં દાખવે.
