ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સના આંતરિક રેકોર્ડ અનુસાર, ઇમિગ્રેશન અટકાયતમાં રહેલા લોકોની સંખ્યા સોમવાર, 11 ઓગસ્ટે 60,000ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા ત્યારે જાન્યુઆરીમાં આ સંખ્યા 39,000 હતી. આ પછીથી તેમાં મોટો ઉછાળો આવ્યો છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા મેળવેલા ICE રેકોર્ડ મુજબ શુક્રવારથી અત્યાર સુધીમાં 1,100થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જે દરરોજ લગભગ 380 લોકો છે. 2003માં ICEની રચના થઈ ત્યારથી ઇમિગ્રેશન અધિકારીઓની લોકોને અટકાયતમાં રાખવાની ક્ષમતા ઝડપથી વધી છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન અનુસાર, વીસ વર્ષ પહેલાં, અટકાયતમાં લેવામાં આવતા ઇમિગ્રન્ટ્સની સરેરાશ દૈનિક સંખ્યા આશરે 7,000 હતી.
જાન્યુઆરી 2025 સુધી ICEની જેલોમાં બંધ મોટાભાગનાં ઈમિગ્રન્ટ્સ બોર્ડર પરથી અરેસ્ટ થયેલા હતાં અને તેમની ધરપકડ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કરતું હતું. જોકે જાન્યુઆરી પછી વિવિધ શહેરોમાં ICEના ઇમિગ્રન્ટ્સ સામેના દરોડામાં વધારો થયો છે. બીજી વખત પ્રેસિડન્ટ બન્યા પછી ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરીને તેમના દેશનિકાલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.
