પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સમરના વ્યસ્ત સમયગાળા દરમિયાન માન્ચેસ્ટર એરપોર્ટ પર પોતાના સ્વજનોને લેવા મૂકવા માટે આવતા લોકોએ પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન માટે લેવાતા ‘અન્યાયી’ ચાર્જીસની ટીકા કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ઓલ્ડહામ વેસ્ટ, ચેડરટન અને રોયટનના સાંસદ જીમ મેકમોહને માન્ચેસ્ટર એરપોર્ટ ગ્રુપને પત્ર લખીને ડ્રાઇવરો માટે વધુ પારદર્શિતા લાવવાની હાકલ કરી છે.

જીમ મેકમોહને કહ્યું હતું કે “આ સમરની રજાઓની મોસમ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ્સ પર ડ્રોપ-ઓફ અને કલેક્શન માટે ચાર્જીસ લેવાના અભિગમ અને અન્યાયી ચાર્જીસનો સામનો કરતા ડ્રાઇવરો પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરવી મહત્વપૂર્ણ છે.”

તેમણે કહ્યું હતું કે ‘’યુકેમાં ત્રીજા ક્રમનું સૌથી વ્યસ્ત અને લંડનની બહાર આવેલ સૌથી વ્યસ્ત – આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપણા ઘરઆંગણે હોવું તે બરો માટે શાન સમાન છે. તે સ્થાનિક લોકોને રજાઓ અને વ્યવસાય માટે વિશ્વભરના સ્થળોએ શ્રેષ્ઠ ઍક્સેસ આપે છે, જે દેશના મોટાભાગના ભાગોમાં અજોડ છે. એરપોર્ટ સિટી પ્રોજેક્ટમાં કરાયેલા રોકાણ અને અને ટર્મિનલ 2 અને 3માં કરાયેલા અપગ્રેડને પણ અમે સમર્થન આપીએ છીએ.’’

શ્રી મેકમોહને સાઇનેજની સંપૂર્ણ સમીક્ષા, ચાર્જિસનો ઢગલો કરવાની પ્રથાનો અંત લાવવા, અપીલ પ્રક્રિયાની સમીક્ષા કરવા અને એરપોર્ટને ડ્રોપ-ઓફ અને કલેક્શન ચાર્જિસમાંથી થતી આવકનો ડેટા પ્રકાશિત કરવા જણાવ્યું હતું.

માન્ચેસ્ટર એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ડ્રોપ-ઓફ અને પિક-અપ ચાર્જિસ અમને અમારા મર્યાદિત જગ્યા ધરાવતા ફોરકોર્ટ્સમાં પ્રવેશની માંગને સંચાલિત કરવામાં મદદ કરે છે. તે આસપાસ ટ્રાફિક ભીડ ઘટાડે છે અને લોકો લાંબા સમય સુધી ત્યાં રોકાતા ન હોવાથી વ્યસ્ત સમયે પણ કાર્યક્ષમ રહે છે. આનો અર્થ એ છે કે લોકોને ખાતરી થાય છે કે જો તેઓ અમારી પિક-અપ અથવા ડ્રોપ-ઓફ સુવિધાઓનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેઓ તે ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે.’’

તેમણે કહ્યું હતુ કે “અમે નજીકના જેટપાર્ક્સ 1 કાર પાર્કની બાજુમાં સંપૂર્ણપણે મફત ડ્રોપ-ઓફ સુવિધા પણ પ્રદાન કરીએ છીએ. 24-કલાક શટલ બસ દ્વારા સેવા આપવામાં આવે છે જે દર થોડી મિનિટે ચાલે છે અને ત્રણેય ટર્મિનલ પર પહોંચવામાં છ મિનિટથી ઓછો સમય લે છે.”

LEAVE A REPLY