લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના 79મા સ્વતંત્રતા દિવસની જીવંત અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીયો અને યુકેમાં રહેતા વિશાળ ડાયસ્પોરાએ ઉત્સાહભેર જોડાઇને ઉજવણી કરી હતી.
હાઇ કમિશનર શ્રી વિક્રમ દોરાઇસ્વામીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્વતંત્રતા દિવસના ભાષણના મહત્વપૂર્ણ અંશો વાંચ્યા હતા.
ભારત-યુકે સંબંધો પર પ્રતિબિંબ પાડતા શ્રી દોરાઇસ્વામીએ તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ મુક્ત વેપાર કરાર પર પ્રકાશ પાડી તેને અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટેનો સીમાચિહ્નરૂપ કરાર ગણાવ્યો હતો.
આ પ્રસંગે ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી ડૉ. રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યુકેમાં ભારતીય સમુદાયના દેશભક્તિના ઉત્સાહની પ્રશંસા કરી હતી અને વડા પ્રધાન મોદી સાથે તેમની લાગણીઓ શેર કરવાનું વચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાની શહીદ કરતાર સિંહ સરભાના પૌત્રી શ્રીમતી સુખજિંદર કૌર લોચબ; એકલા કોઇપણ ટેકા વગર હોડીમાં બેસીને એટલાન્ટિક પાર કરનાર પ્રથમ અશ્વેત મહિલા શ્રીમતી અનન્યા પ્રસાદ; અને ભારતીય મોટરબાઈક પર ૧૬ દેશોનો ૨૩,૦૦૦ કિમીથી વધુનો પ્રવાસ કરનાર શ્રી યોગેશ અલેકારીનું સન્માન કરાયું હતું.
માસ્ટર અદ્વૈત ઐયરે “મા તુઝે સલામ”નું ભાવનાત્મક વાયોલિન વાદન, રિચા શ્રીવાસ્તવ અને કીર્તિરૂપાએ સુંદર કથક અને ગુરુ ગીતા શ્રીધર અને તેમના શિષ્યો દ્વારા ઉર્જાવાન ભરતનાટ્યમ રજૂ કરી દેશભક્તિના ઉત્સાહનું વાતાવરણ બનાવ્યું હતું.
