(Photo by Win McNamee/Getty Images)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડોમીર ઝેલેન્સ્કી વચ્ચે ગત સોમવારે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, અમે યુદ્ધ અટકાવવા માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છીએ. તો ટ્રમ્પે પણ કહ્યું છે કે, હું બેઠક પુર્ણ થયા બાદ પુતિનને ફોન કરીશ.

આપણા વચ્ચે (અમેરિકા, યુક્રેન, રશિયા) ત્રિપક્ષીય બેઠક યોજાય કે ન યોજાય કે પછી યુદ્ધ ચાલુ રહે, પરંતુ આપણા માટે યુદ્ધ અટકાવવાની આ સારી તક છે. આ પહેલા ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ પહોંચતા જ ટ્રમ્પે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તો ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાના પ્રયાસ મામલે આભાર માન્યો છે.

બેઠક દરમિયાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘લોકો મરી રહ્યા છે અને અમે તેને રોકવા માંગીએ છીએ. હું પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીને ઓળખું છું, હું ખુદને પણ ઓળખું છું. મને વિશ્વાસ છે કે પુતિન પણ યુદ્ધ સમાપ્ત થતું જોવા માંગે છે. શાંતિ કાયમી હોવી જોઈએ, બે વર્ષની ટૂંકાગાળાની નહીં. અમેરિકા યુક્રેન સહિત અન્ય તમામ દેશો સાથે મળીને કામ કરશે, જેથી લાંબા સમય સુધી ટકી રહે તેવી શાંતિ સ્થાપી શકાય. ફ્રેન્ચ પ્રમુખ ઇમાન્યુઅલ માક્રોં, બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર સહિતના યુરોપના કેટલાક અગ્રણી નેતાઓ ઝેલેન્સ્કીને પીઠબળ પુરૂં પાડવા માટે વોશિંગ્ટન ગયા હતા.

LEAVE A REPLY