અમેરિકાના વિઝા પ્રોસેસિંગ નિયમોમાં ફેરફાર કરાયાને કારણે હવે અહીં કામ કરતા ટેક ઇન્ડસ્ટ્રીના હજારો કર્મચારીઓ સહિતના ભારતીયોએ ઇન-પર્સન ઇન્ટરવ્યૂ માટે સ્વદેશ પરત ફરવું પડશે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર વિઝા પ્રોસેસિંગ નિયમોમાં કરાયેલા આ ફેરફારને કારણે આવા કર્મચારીઓ માટે તેમના કામ પર પરત ફરવામાં વિલંબ થઇ શકશે અને તેના કારણે તેમની જોબ પણ જોખમમાં મુકાઈ શકે છે.
અમેરિકન વિદેશ વિભાગે કરેલી જાહેરાત અનુસાર આગામી બે સપ્ટેમ્બરથી તે મોટાભાગની નોન-માઇગ્રન્ટ વિઝા કેટેગરી માટે ડ્રોપબોક્સ સુવિધા તરીકે ઓળખાતો ઇન્ટરવ્યૂ વેઇવર પ્રોગ્રામ બંધ કરાશે. આ નિર્ણયના પગલે H-1B, L1 અને F1 વિઝા સહિતના વિઝા માટે અરજી કરનારા અરજદારોએ હવેથી પૂર્વ નિર્ધારિત કેન્દ્રો પર પોતાના દસ્તાવેજો જમા કરાવવાના સ્થાને પોતાના દેશમાં આવેલા અમેરિકન દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ કચેરીમાં જઇને ઇન્ટરવ્યૂમાં હાજર થવું પડશે.
નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ નવા નિર્ણયને કારણે ભારત જેવા દેશોમાં એપોઈન્ટમેન્ટ માટે લાંબો સમય લાગી શકે છે, તેમજ પ્રવાસ ખર્ચ વધી શકે છે અને સાથે જ કર્મચારી અમેરિકા સમયસર પરત ન ફરી શકે તો તે વર્ક ઓથોરાઇઝેશન પણ ગુમાવી શકે છે. અમેરિકાના એચ-1 બી વિઝાનો મોટા હિસ્સો ધરાવતા ભારતીય કામદારોને આ નવા નિર્ણયને કારણે સૌથી વધારે અસર થવાની પૂરી સંભાવના છે. અમેરિકામાં 320,000 માન્ય એચ-1 બી વિઝા સ્લોટ પૈકીના 77 ટકા વિઝા ભારતીયોને અપાયા હતા, જ્યારે નાણાં વર્ષ 2023માં માન્ય 386,000 એચ1બી વિઝા પૈકી 72.3 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા.
