(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)
દેશ-વિદેશમાં વસતા ભારતીયોમાં લોકપ્રિય ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબા ચાલનારા શોમાં સ્થાન ધરાવે છે. આ શોએ તાજેતરમાં જ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સાથે જ છેલ્લાં થોડા વખતથી આ શો લોકપ્રિયતામાં પણ ઘણો આગળ વધી ગયો છે.
17 વર્ષે પણ આ શો ટીઆરપીમાં એકથી પાંચ નંબરમાં રહે છે. આ શોની 17 વર્ષની ઉજવણી દરમિયાન પણ પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવ્યું હતું કે તેઓ ગોકુલધામ સોસાયટીમાં નવો પરિવાર લાવવા જઈ રહ્યા છે. આ નવા પરિવારના શૂટિંગની તસવીરો સાથેના કેટલાક સમાચાર પણ આવવા લાગ્યા છે.
અત્યારે તેમનું શૂટિંગ પૂર જોશમાં ચાલી રહ્યું છે, નવા પરિવારની આ શોમાં શાહી એન્ટ્રી થવાની છે. ડિજિટલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં સોસાયટી કમ્પાઉન્ડમાં શૂટિંગ ચાલતું હોય એવું જણાય છે અને તેમાં કાસ્ટ અને ક્રૂ બધા જ હાજર છે. કમ્પાઉન્ડની વચ્ચે એક મહિલા ઊભી છે, જેણે પીળા કલરના સલવાર કમીઝ પહેર્યાં છે અને માથે ઓઢ્યું છે. જેમાં તેમને સીન સમજાવામાં આવતો હોય એવું દેખાય છે.
અન્ય એક તસવીરમાં સોસાયટી કમ્પાઉન્ડમાં રાજસ્થાની સ્ટાઇલમાં સજાવેલા બે ઉંટ પણ દેખાય છે. પીળા સલવાર કમીઝમાં મહિલા આ ઉંટ પર બેઠેલાં દેખાય છે. તેમજ એક પુરુષ બ્લૂ કલરના કપડાંમાં દેખાય છે. તેથી મિની ભારત કહેવાતા ગોકુલધામમાં હવે દેશની એક નવી ફ્લેવર પણ ઉમેરાશે. ગોકુલધામના અન્ય ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી અને તમિલ સભ્યોની જેમ હવે એક રાજસ્થાની પરિવાર પણ ઉમેરાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY