વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટમાં કોમનવેલ્થ ગેમ્સ(CWG) 2030 માટે બિડ રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. હવે એક પ્રતિનિધિમંડળ લંડન જઈને આ ગેમ્સ માટે સત્તાવાર બિડ સુપરત કરશે.
ભારતના ઓલિમ્પિક એસોસિએશને કોમનવેલ્થ ગેમ્સના ભારતમાં આયોજન માટેની એક દરખાસ્તને કેન્દ્રીય રમગમત મંત્રાલય સમક્ષ રજૂ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા માટે ગુજરાતના અમદાવાદે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગયા મહિને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન અમદાવાદની મુલાકાતે આવી સમીક્ષા બેઠકો યોજી ચૂક્યું છે.
રમતગમત મંત્રાલયના જાણકારોના કહેવા પ્રમાણે, આજે ભારતના બિડ સાથે ડેલિગેશન લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ રૂબરૂ રજૂ કરશે. આમ તો આ દરખાસ્ત (બિડ) ટેકનોલોજીના જમાનામાં ઇમેઇલથી મોકલી શકાય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂચન એવું હતું કે, આપણી દરખાસ્તમાં ફેડરેશન દ્વારા કોઇ જરૂરી પૂર્તતા કરવાની ઊભી થાય તો એ રૂબરૂ પ્રતિનિધિઓ હાજર હોય તો એ સ્થળ પર પૂર્તતા કરીને દરખાસ્ત આખરી કરી શકાય. આ સૂચનને ધ્યાને રાખી ગુજરાતમાં ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમાર પણ લંડન પહોંચ્યા છે.
અગાઉ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ બુધવાર, 13 ઓગસ્ટે નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બિડને ઔપચારિક મંજૂરી આપી હતી. બિડ દરખાસ્તમાં અમદાવાદને યજમાન શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતે આ ગેમ્સ માટે ઇરાદાપત્ર સુપરત કરેલા છે અને 31 ઓગસ્ટ પહેલા અંતિમ બિડ દરખાસ્તો સબમિટ કરવાની રહેશે.
કેનેડાના બિડિંગ પ્રક્રિયામાંથી ખસી જવાથી ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મેળવવાની શક્યતા વધી ગઈ છે. કોમનવેલ્થ સ્પોર્ટની એક ટીમે ગેમ્સના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં, તાજેતરમાં અમદાવાદમાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
યજમાન દેશનો નિર્ણય નવેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી દ્વારા લેવામાં આવશે. ભારતે અગાઉ 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.
SGM પછી IOAના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ જણાવ્યું હતું કે જનરલ હાઉસે સર્વાનુમતે મંજૂરી આપી હતી. હવે અમે અમારી તૈયારીઓ સાથે પૂરા જોશથી આગળ વધીશું.
