India American Cultural Association

ઇન્ડિયા અમેરિકન કલ્ચરલ એસોસિએશન (IACA) દ્વારા 22 ઓગસ્ટ, 2025ના રોજ ગેસ સાઉથ સેન્ટરમાં યોજાયેલ 29મા વાર્ષિક ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા 2025માં 4,000થી વધુ લોકો હાજર રહ્યા, જે સ્થાનિક સમાજને વારસા, સેવા અને એકતાના જીવંત પ્રદર્શનમાં પરિવર્તિત કરે છે.

ગવર્નર બ્રાયન કેમ્પે એક વિડિઓ સંદેશમાં રાજ્યના સાંસ્કૃતિક અને આર્થિક માળખાને મજબૂત બનાવવા બદલ જ્યોર્જિયાના ભારતીય અમેરિકન સમુદાયની પ્રશંસા કરી હતી. જ્યોર્જિયાના સ્ટેટ સેક્રેટરી બ્રાડ રેફેન્સપરગર અને સેનેટર બ્લેક ટિલેરીએ આ ભાવનાનો પડઘો પાડવા સાથે સમુદાયના યોગદાન અને ભારત અને યુએસ વચ્ચેના સહિયારા લોકશાહી મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો.

આ ઉત્સવમાં પ્રવૃત્તિઓની સમૃદ્ધ શ્રેણી રજૂ કરવામાં આવી. લોકોથી ખીચોખીચ હેલ્થ મેળામાં સેંકડો લોકોને મફત સ્ક્રીનીંગ, કન્સલ્ટેશન અને રસી આપવામાં આવી હતી. બાળકો અને પુખ્ત વયના લોકોએ ચેસ, ચિત્રકામ અને પબ્લિક સ્પીકીંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જ્યારે પ્રથમ ફ્લાવર શોમાં રંગ અને સર્જનાત્મકતા ઉમેરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયા અમેરિકન સ્કોલરશિપ ફંડે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સેવા માટે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ પેઢીઓના સ્થાનિક કલાકારોએ ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્યોથી લઈને ઉત્સાહી બોલીવુડ મેડલી સુધીના 75થી વધુ સાંસ્કૃતિક પ્રદર્શનોને સ્ટેજ પર રજૂ કરી ભારતની ભાવનાને જીવંત બનાવી  હતી. ફૂડ સ્ટોલ્સે પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી અનેરૂ આકર્ષણ ઉભુ કર્યું હતું. તો જ્વેલરી, કપડાં અને હેન્ડ ક્રાફ્ટેડ પ્રોજક્ટ્સે જીવંત ભારતીય બજારને સ્થળ પર ઉભુ કર્યું હતું.

ફોર્સીથ અને ગ્વિનેટ કાઉન્ટી કમિશનરો સહિત સમુદાયના નેતાઓએ સ્થાનિક જનતા સાથેના જોડાણ અને સેવાના નિર્માણમાં IACA ની ભૂમિકાને બિરદાવી હતી. ભારતીય કોન્સલ કંધસ્વામી રાજુએ VFS સેન્ટરના કામના કલાકો વધારવાની જાહેરાત કરી હતી, જે ડાયસ્પોરા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

કાર્યક્રમનું સમાપન કરતાં, IACA ના પ્રમુખ ધનંજય ગુપ્તાએ કહ્યું હતું કે “ભારતનો ઉત્સવ એક સમુદ્ર જેવો છે જ્યાં ભાષાઓ અને સંસ્કૃતિઓની નદીઓ એક ઓળખમાં ભળી જાય છે.”

દિવસનો અંત સંગીત, નૃત્ય અને એકતાના પુનરુત્થાન સાથે થયો હતો જે વારસો અને સમુદાય ભાવનાનો જીવંત પુરાવો છોડીને ગયો હતો.

Photo Credits: Kailas Pramod, Renuka Molleti and Anirudh Dhannayak

 

LEAVE A REPLY