અમેરિકામાં જ્યૂશ (યહૂદી) હિમાયતી ગ્રુપ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારતનો વિરોધ કરવા બદલ યુએસ અધિકારીઓની ટીકા કરવામાં આવી હતી. આ ગ્રુપે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ માટે ‘જવાબદાર નથી’, અને તેમણે યુએસ-ભારત વચ્ચેના સંબંધોને ‘ફરીથી સ્થાપવા’ અનુરોધ કર્યો હતો.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તાજેતરમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારતની વધારે ટીકા કરી રહ્યું છે. અમેરિકાએ કહ્યું હતું કે, ભારત, યુક્રેનના યુદ્ધમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને ‘ભંડોળ’ આપી રહ્યું છે. અમેરિકન જ્યૂશ કમિટીની આ ટિપ્પણી પછી વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નાવારોએ યુક્રેન-રશિયા વચ્ચેના ઘર્ષણને ‘મોદીનું યુદ્ધ’ કહ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘શાંતિનો માર્ગ આંશિક રીતે નવી દિલ્હીમાંથી પસાર થાય છે.’
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, આ ગ્રુપે કહ્યું કે તે ‘અમેરિકન અધિકારીઓ દ્વારા ભારત પર આવા શાબ્દિક સામૂહિક હુમલાઓથી ખૂબ જ વ્યથિત છે’, અને તેમણે નાવારોની ટિપ્પણીને ‘અશ્લીલ આરોપ’ કહ્યો હતો. તાજેતરમાં, આ કમિટીએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારતને ‘એકલું’ પાડવા અને મોટા ખરીદદાર ચીન પર પ્રતિબંધો ન લાદવા બદલ ટ્રમ્પની ટીકા કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી દ્વિપક્ષીય સંબંધો બગડી રહ્યા છે.
