યુકેમાં નકલી ડિઝાઇનર કપડાના કૌભાંડમાં ભારતીય મૂળના મુખ્ય સૂત્રધારને તાજેતરમાં ચેસ્ટરની કોર્ટે 90 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કૌભાંડીને અગાઉ એક મોટા ટેક્સ ફ્રોડના કેસમાં જેલ સજા થઇ હતી. નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના પ્રેસ્ટનનો 57 વર્ષીય કાપડ ઉત્પાદક આરિફ પટેલ હવે દુબઈમાં વસવાટ કરે છે. ગત ગુરુવારે, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)એ આ કેસમાં જણાવ્યું હતું કે, તેણે ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં આરીફ પટેલ સામે તેની મિલકત જપ્તીનો આદેશ મેળવ્યો છે, એટલે કે તેની વિવિધ સંપત્તિ વેચીને ભંડોળ પરત મેળવી શકાશે. યુકેના પ્રોસીક્યુટર્સના જણાવ્યા મુજબ, પટેલ અને તેના સાગરિતોએ કાપડ અને મોબાઇલ ફોનની ખોટા નિકાસ પર નકલી વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ચુકવણીના દાવા કરીને બ્રિટિશ સરકારમાંથી 33.4 મિલિયન પાઉન્ડની ટેક્સ ચોરી કરી હતી. આરીફને 2023માં ખોટા હિસાબ, જાહેર આવક સાથે છેતરપિંડી આચરવાના અને મની લોન્ડરિંગના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. એપ્રિલ 2023માં આ કેસની ટ્રાયલ પછી આરીફ પટેલને દેશમાં ટેક્સ ચોરી બદલ તેની ગેરહાજરીમાં 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી. HMRCના જણાવ્યા પ્રમાણે, આરીફ પટેલ જુલાઈ 2011માં દુબઈ ગયો હતો અને તે દોષિત ઠર્યો હતો અને સજા જાહેર થઇ ત્યારથી યુકે પરત આવ્યો નથી.
