
ભારતીય હોકી ટીમે બિહારના રાજગિરમાં રમાઈ રહેલી એશિયા કપ હોકી સ્પર્ધામાં સોમવારે રાત્રે કઝાખસ્તાનને 15-0ના અસાધારણ સ્કોરથી કારમી શિકસ્ત આપી હતી. અગાઉ રવિવારે જ બીજી લીગ મેચમાં જાપાનને હરાવી ભારતે સુપર-ફોર સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિંત કરી દીધું હતું.
ભારતીય ટીમ પુલ-એમાં પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે છે.સોમવારે કઝાખસ્તાન સામેના જંગમાં અભિષેકે સૌથી વધુ ચાર ગોલ કર્યા હતા, તો સુખજીત સિંઘ અને જુગરાજ સિંઘે ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.
ટીમે પહેલી મેચમાં ચીનને 4-3થી હરાવ્યું હતું. એ મેચમાં સુકાની હરમનપ્રીતે ત્રણ તથા સુખજીતે એક ગોલ કર્યો હતો, તો રવિવારે જાપાન સામેના મુકાબલામાં ભારતનો 3-2થી વિજય થયો હતો. ભારત તરફથી મનદીપે એક તથા સુકાની હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા.
એશિયા કપની મેચોનો સમય 30 મિનિટ પાછો ઠેલાયો
એક સપ્તાહ પછી શરૂ થનારી એશિયા કપ ક્રિકેટ ટી-20ની મેચોનો સમય 30 મિનિટ પાછો ઠેલાયો છે. આ મેચો હવે સાંજે 7.30 વાગ્યાને બદલે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. દુબઈ અને અબુ ધાબીમાં ખૂબ જ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો.
એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.
ભારતને એશિયા કપ 2025ના યજમાની અધિકારો હોવા છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે, તે ન્યૂટ્રલ વેન્યુ ઉપર રમાશે.
સપ્ટેમ્બરમાં ત્યાં દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે અને મોડી સાંજ સુધી આવું જ રહેશે. આટલી ભારે ગરમીમાં રમવાનું ટાળવા માટે ક્રિકેટ બોર્ડે મેચનો સમય થોડો પાછો ઠેલવાની વિનંતી કરી હતી. બ્રોડકાસ્ટર્સે તે ફેરફારોને મંજૂરી આપી હતી.
