
વિલ જેક્સના શાનદાર 72 રન સાથે ઓવલ ઈન્વિસિબલ્સે ધી હન્ડ્રેડની ફાઈનલમાં રવિવારે ટ્રેન્ટ રોકેટ્સને 26 રને હરાવી સતત ત્રીજીવાર ચેમ્પિયન્સનો તાજ ધારણ કર્યો હતો. લીગ સ્ટેજમાં પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી ઓવલ ઈન્વિસિબલ્સની ટીમે લોર્ડ્સ ખાતે ફાઈનલમાં પણ પોતાનું સર્વોપરિપદ જાળવી રાખ્યું હતું.
જેક્સની ધમાકેદાર બેટિંગના સહારે ઓવલે પોતાની ઈનિંગમાં પાંચ વિકેટે 165 રન કર્યા હતા, જેમાં જેક્સના 32 બોલમાં 50 અને સાત ચોગ્ગા તથા બે છગ્ગા સાથે 41 બોલમાં 72 તથા જોર્ડન કોક્સના 28 બોલમાં 40 રન મુખ્ય હતા. ટ્રેન્ટ રોકેટ્સ તરફથી માર્કસ સ્ટોઈનિસે 40 રન આપી બે વિકેટ લીધી હતી.
જવાબમાં ટ્રેન્ટ રોકેટ્સ 8 વિકેટે 142 રન સુધી જ પહોંચી શક્યું હતું, જેમાં ફરી માર્કસ સ્ટોઈનિસ 38 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 64 રન કરી ટોપ સ્કોરર રહ્યો હતો, પણ તેનો આ પ્રયાસ પુરતો નિવડ્યો નહીં અને ટીમ 8 વિકેટે 142 રન સુધી જ પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન સોટર 20 બોલમાં ફક્ત 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
નોર્ધર્ન સુપરચાર્જર્સ ધી હન્ડ્રેડના મહિલા ચેમ્પિયન્સ
સમગ્ર સ્પર્ધામાં અજેય રહેલી સધર્ન બ્રેવ્ઝને રવિવારે લોર્ડ્સ ખાતેની ફાઈનલમાં સાત વિકેટે હરાવી નોર્ધર્ન સુપરચાર્જર્સની મહિલા ટીમે ધી હન્ડ્રેડના ચેમ્પિયન્સનો તાજ પહેલીવાર હાંસલ કર્યો હતો. સધર્ન બ્રેવ્ઝના છ વિકેટે 115ના જવાબમાં નોર્ધર્ન સુપરચાર્જર્સે 12 બોલ બાકી હતા ત્યારે ફક્ત ત્રણ વિકેટે 119 રન કરી હરીફોને હરાવ્યા હતા.
સધર્નની ફ્રેયા કેમ્પે 16 બોલમાં 26 અને ડેની વેટ-હોગે 20 બોલમાં 25 રન કર્યા હતા, તો નોર્ધર્ન તરફથી કેટ ક્રોસ અને અન્નાબેલ સધરલેન્ડે બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં નોર્ધર્ન તરફથી નિકોલા કેરી અને અન્નાબેલ સધરલેન્ડે ચોથી વિકેટની અણનમ ભાગીદારીમાં અનુક્રમે 25 બોલમાં 35 અને 25 બોલમાં 28 રન કર્યા હતા.
