સ્વિસ ફૂડ જાયન્ટ નેસ્લેએ સોમવારે સાથી કર્મચારી સાથે ગુપ્ત રોમેન્ટિક સંબંધો બદલ તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) લોરેન્ટ ફ્રીક્સને તાત્કાલિક અસરથી પદ પરથી બરતરફ કર્યા હતાં. નેસ્પ્રેસો કોફી કેપ્સ્યુલ્સ અને કિટકેટ ચોકલેટ બાર જેવી બ્રાન્ડ દરાવતી આ બહુરાષ્ટ્રીય કંપનીએ જણાવ્યું હતું કે તપાસ બાદ ફ્રીક્સની બરતરફી કરાઈ હતી.
લોરેન્ટ ફ્રીક્સની જગ્યાએ નેસ્પ્રેસોના સીઈઓ ફિલિપ નવરાતિલને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાથ નીચેના સાથી કર્મચારી સાથે ગુપ્ત રોમેન્ટિક સંબંધોની તપાસ બાદ લોરેન્ટ ફ્રીક્સને તેમના હોદ્દા પરથી દૂર કરાયા હતાં. ચેરમેન પોલ બલ્ક અને મુખ્ય સ્વતંત્ર ડિરેક્ટર પાબ્લો ઇસ્લાની દેખરેખ હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો.
બલ્કે જણાવ્યું હતું કે આ એક જરૂરી નિર્ણય હતો. નેસ્લેના મૂલ્યો અને ગવર્નન્સ અમારી કંપનીનો મજબૂત પાયો છે. હું લોરેન્ટનો તેમની વર્ષોની સેવા માટે આભાર માનું છું,
કંપનીના અનુભવી કર્મચારી, ફ્રીક્સ 1986માં ફ્રાન્સમાં નેસ્લેમાં જોડાયા હતો. તેમણે 2014 સુધી કંપનીના યુરોપિયન બિઝનેસનું નેતૃત્વ કર્યું હતું. 2008ની સબપ્રાઇમ અને યુરો કટોકટી દરમિયાન તેમને કંપનીને હેમખેમ બહાર કાઢી હતી.
