પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનમાં રવિવારની મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ગામડાઓ તબાહ થઈ ગયા હતાં અને વ્યાપક નુકસાન થયું હતું. આ ભૂકંપનો મૃત્યુઆંક મંગળવારે વધીને 1,411 થયો હતો. ભૂકંપને કારણે આશરે 3,100થી વધુ લોકો ઘાયલ થયા હતાં. કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. શોધ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી. નંગહાર પ્રાંતના જલાલાબાદ શહેરની નજીક કુનાર પ્રાંતના અનેક શહેરોમાં વિનાશ વેરાયો હતો.
તાલિબાન વહીવટીતંત્રના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૧,૪૧૧ લોકો મૃત્યુ પામ્યા છે, ૩,૧૨૪ ઘાયલ થયા છે અને ૫,૪૦૦થી વધુ ઘરો નાશ પામ્યા છે. દેશના પર્વતીય ક્ષેત્રના ગામોમાં મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો હતો. સાંકડા પર્વતીય રસ્તાઓને કારણે બચાવ માટે વ્હિકલ લઈ જવામાં અવરોધ આવ્યો હતો.
યુનિસેફે જણાવ્યું હતું કે તે દવાઓ, ગરમ કપડાં, આશ્રય માટે તંબુ અને તાડપત્રી તથા સાબુ, ડિટર્જન્ટ, ટુવાલ, સેનિટરી પેડ્સ અને પાણીની ડોલ જેવી રાહત સામગ્રી મોકલી રહ્યું છે.
યુદ્ધગ્રસ્ત, ગરીબ 42 મિલિયન લોકોના રાષ્ટ્રમાં સંસાધનોની તંગી છે. અત્યાર સુધીમાં બ્રિટને 1 મિલિયન પાઉન્ડ ($1.35 મિલિયન)ની મદદ કરી છે. ભારતે 1,000 તંબુ પહોંચાડ્યા છે અને 15 ટન ખાદ્ય પુરવઠો કુનારમાં મોકલી રહ્યું છે. ચીન, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, પાકિસ્તાન અને ઈરાન જેવા અન્ય દેશોએ સહાયની જાહેરાત કરી હતી.
અમેરિકન જિયોલોજિકલ સરવેના જણાવ્યા મુજબ રાત્રે ૧૧:૪૭ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૦ની હતી અને તેનું કેન્દ્ર બિંદુ નંગહાર પ્રાંતના જલાલાબાદ શહેરથી ૨૭ કિલોમીટર (૧૭ માઇલ) પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. આ ભૂકંપ ફક્ત ૮ કિલોમીટર (૫ માઇલ) ઊંડાઈએ હતો. આવા છીછરા ભૂકંપ સામાન્ય રીતે વધુ નુકસાન પહોંચાતા હોય છે.
પડોશી દેશ પાકિસ્તાન સાથે નજીક હોવાથી અને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સરહદ ક્રોસિંગ હોવાથી જલાલાબાદ એક ધમધમતું વેપારી શહેર છે. મ્યુનિસિપાલિટી અનુસાર તેની વસ્તી લગભગ 300,000 છે. જોકે તેનો મહાનગર વિસ્તાર ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે. તેની મોટાભાગની ઇમારતો ઓછી ઊંચાઈવાળી છે, જે મોટાભાગે કોંક્રિટ અને ઈંટની બનેલી છે. ઘણા મકાનો નબળા બાંધકામના છે.
અગાઉ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા હતા. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે ઓછામાં ઓછા ૪,૦૦૦ લોકો માર્યા ગયા હતા.
