ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસુ સીઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 93 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 97 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 97 ટકાથી વધુ, પૂર્વ-મધ્યમાં 94 ટકાથી વધુ, કચ્છમાં 86 ટકાથી વધુ જ્યારે સૌરાષ્ટ્રમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, રાજ્યના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 90 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા સરેરાશ કુલ 97 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. 07 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.
