
ભારતમાં જાણીતા લેખક અમિષ ત્રિપાઠીના નવા પુસ્તક ‘ધ ચોલા ટાઈગર્સઃ એવેન્જર્સ ઓફ સોમનાથ’નું તાજેતરમાં મુંબઇ ખાતે વિમોચન થયું હતું. તેમણે આ વેળાએ પુસ્તક અંગે ચર્ચા કરતાં બોલીવૂડની ફિલ્મોમાં ઈતિહાસને અયોગ્ય રીતે રજૂ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મોએ દર્શકોને ભ્રમણામાં રાખ્યા છે અને આ બાબતની નોંધ બોલીવૂડે લેવી જોઈએ.
છેલ્લાં કેટલાક વર્ષોમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં ઈતિહાસ સાથે છેડછાડનો ઉલ્લેખ કરતાં અમિષ ત્રિપાઠીએ ખિલજી અને અકબર પર બનેલી ફિલ્મની વાત કરી હતી. 2016માં રીલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે 2008માં રિલીઝ થયેલી ‘જોધા અકબર’માં રિતિક રોશન અને ઐશ્વર્યા રાય હતા. આ બંને ફિલ્મમાં ખિલજી અને અકબરના પાત્રોને અત્યંત પ્રભાવશાળી દર્શાવાયા હતા. તેમની ભૂમિકા માટે બોલીવૂડના લોકપ્રિય ચહેરાઓને પસંદ કરાયા હતા. પરંતુ અકબર અને ખિલજી મધ્ય એશિયામાંથી આવ્યા હતા અને આ બંને એક્ટર્સ કોઈ રીતે તેમના જેવા લાગતા ન હતા. સાવ અલગ રીતે પાત્રોને રજૂ કરવાનું કૃત્ય ચોક્કસપણે ઈતિહાસ સાથે છેડછાડ હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમિષ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં પાત્રોને રજૂ કરતી વખતે દેખાવ કે વ્યક્તિત્વમાં ફેરફાર બાબતે કદાચ દિગ્દર્શકને મુક્ત કરી શકાય. જોકે, તેમની દલીલ છે કે, જે કાળ ખંડને આ ફિલ્મોમાં દર્શાવાયો છે, તે સમયે ભારતમાં ઉર્દૂનું અસ્તિત્વ જ ન હતું. તેમની ભાષા પ્રાચીન સમયની હતી. તેઓ તુર્કીશ અથવા પર્શિયન જેવી ભાષા બોલતા હતા. આમ, તેમની ભાષાને પણ સંપૂર્ણ અયોગ્ય રીતે દર્શાવાઈ છે. વ્યક્તિત્વ અને ભાષાને જ અયોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા હોય ત્યારે સમગ્ર રજૂઆત જ અકલ્પનીય રીતે ગેરમાર્ગે દોરનારી બની જાય છે. તેઓ માને છે કે, માત્ર મનોરંજન માટે ફિલ્મો બનાવવી હોય તો તેમાં ઐતિહાસિક ઘટનાઓ ન હોવી જોઈએ, જેથી દર્શકોમાં ભ્રમ ઊભો ન થાય. ઐતિહાસિક ફિલ્મ બનાવતી વખતે નિર્માતા-દિગ્દર્શક-લેખકની જવાબદારી વધી જાય છે અને તેમણે ખોટો ઈતિહાસ દર્શાવવો જોઈએ નહીં.
