એક મીડિયા તપાસમાં જણાયું છે કે, ઇંગ્લેન્ડમાં ડાયાબિટીસનું નિદાન કરવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો દ્વારા થયેલી ભૂલોના કારણે ઓછામાં ઓછા 55,000 લોકોને વધુ બ્લડ ટેસ્ટસ કરાવવાની જરૂર પડશે. કેટલાક દર્દીઓને ટાઇપ ટુ ડાયાબિટીસ હોવાનું ખોટું નિદાન થયું હતું અને તેના કારણે તેમને જરૂરી ન હોય તેવી દવાઓ પણ લેવાને કહેવાયું હતું. NHS ઇંગ્લેન્ડના જણાવ્યા મુજબ, આ ભૂલના કારણે વધુ લોકો અસર પામી શકે છે. NHSEએ સ્વીકાર્યું હતું કે, ટ્રિનિટી બાયોટેક દ્વારા નિર્મિત મશીનોનો ઉપયોગ 16 હોસ્પિટલ ટ્રસ્ટ કરે છે, જેના દ્વારા ટેસ્ટ્સના ખોટા પરિણામ મળ્યા છે. આ અંગે ટ્રિનિટી બાયોટેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ આ મુદ્દે યુકેના આરોગ્ય તંત્ર સાથે સંપર્કમાં છે અને મશીનોનો ઉપયોગ કરી રહેલી તમામ હોસ્પિટલોને તેની જાણ કરી હતી.
