સોરઠિયા પ્રજાપતિ

ગણપતિ વિસર્જન કાર્યક્રમ બાદ 30 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડના ક્લીવલેન્ડ રોડ સ્થિત શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટરમાં આગ લાગી હતી. જેના કારણે સેન્ટરને નોંધપાત્ર નુકસાન થયું હતું. લંડન ફાયર બ્રિગેડે ઝડપથી કાર્યવાહી કરી, આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

સ્થાનિક સમુદાયોમાં કોઇકે જાણી જોઇને આગ લગાવી હોવાના અને ફટાકડાના કારણે આગ લાગી હોવાની અફવાઓ ફેલાઇ રહી છે. આ અફવાઓ પાછળ તાજેતરમાં એક રેસ્ટોરંટમાં આગ લગાવવાના અને બે જણાની ઘરપકડને જવાબદાર માનવામાં આવે છે. મેટ્રોપોલિટન પોલીસને આગ ઇરાદાપૂર્વક લગાવાઇ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી કે નથી.

મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, જોકે ઇમારતને નોંધપાત્ર માળખાકીય નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે – આ તબક્કે, તપાસ ટીમને એવા કોઈ પુરાવા મળ્યા નથી જે સૂચવે છે કે તે જાણી જોઈને લગાવવામાં આવી હતી. સ્થાનિક સમુદાયને ટેકો આપવા માટે અમે રેડબ્રિજ કાઉન્સિલ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.”

લંડન ફાયર બ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ગઈકાલે (શનિવારે) રાત્રે 8 વાગ્યે ઇલ્ફર્ડના ક્લીવલેન્ડ રોડ પર એક ઇમારતમાં આગના અહેવાલો મળ્યા બાદ છ ફાયર એન્જિન અને ઇલ્ફર્ડ, બાર્કિંગ, સ્ટ્રેટફર્ડ, લેટન, હેનોલ્ટ અને રોમફર્ડ ફાયર સ્ટેશનથી લગભગ 40 ફાયર ફાઇટર્સફાયરફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં એક માળનું કોમ્યુનિટી સેન્ટર સંપૂર્ણપણે સળગી ગયું હોવાનું જણાયું હતું. આગને રાતના 9-21 સુધીમાં ક્રૂ દ્વારા સુરક્ષિત રીતે કાબુમાં લેવામાં આવી હતી અને કોઈને ઈજા થઇ હોવાના અહેવાલ નથી. જોકે, આગના કારણે ઇમારતને નોંધપાત્ર નુકસાન થયું છે. ડેગનહામ ફાયર સ્ટેશનની 32-મીટર લાંબી ટર્નટેબલ લેડર વડે ઉપરથી પાણી રેડી આગ ઓલવવામાં આવી હતી.”

SSPC કોમ્યુનિટી સેન્ટર, ઇલફર્ડ બ્રાન્ચના ચેરમેન હિતેશભાઇ ગોહિલના માતૃ શ્રીનું ફ્યુનરલ રવિવારના રોજ પૂર્ણ ખયું હતું અને રવિવારે તે જ સેન્ટરમાં છાશ પીવાની વિધિ રાખવામાં આવી હતી. પરંતુ સેન્ટરમાં આગ લાગતા તેમને ખુદને કાર્યકમ બદલવાની ફરજ થઇ પડી હતી. બીજી તરફ તેમણે પોતાની વ્યસ્તતા વચ્ચે સેન્ટર માટે દોડાદોડી કરવી પડી હતી.

હિતેશભાઇ ગોહિલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે મારા માતાનું નિધન થયું હોવાના કારણે હું વ્યસ્ત રહ્યો છું અને ઇમરજન્સી સેવાઓ અને કાઉન્સિલ અધિકારીઓ સાથે હું સંપર્કમાં છું. અમે હજૂ માહિતી મેળવી રહ્યા છીએ. અમે કોઇ ગેરસમજ ઉભી ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને જેવી અઘિકૃત માહિતી મળશે કે તુરંત જ તેમે જાહેર કરીશું.‘’

SSPC કોમ્યુનિટી હોલ ઈસ્ટ લંડનમાં લાગેલી આગ અંગે SSPC UKની નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (NEC)એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’ખૂબ દુઃખ સાથે અમે જાણ કરીએ છીએ કે 30 ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે 8 વાગ્યે શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી (SSPC) ઈસ્ટ લંડન કોમ્યુનિટી સેન્ટરમાં લાગેલી આગમાં દુર્ભાગ્યે બધું જ નાશ પામ્યું છે અને હવે તે વપરાશ માટે બિનઉપયોગી છે. આગના સમયે કોમ્યુનિટી સેન્ટરનો ઉપયોગ થઈ રહ્યો ન હતો અને સદભાગ્યે કોઈને ઈજા થઇ હોવાના અહેવાલ નથી. અમે આગના સંભવિત કારણ અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા તેમનો અહેવાલ સોંપવામાં આવે તેની રાહ જાઇ રહ્યા છીએ. આ મુશ્કેલ સમયમાં સહાયના સંદેશા મોકલનાર દરેકનો અમે આભાર માનવા માંગીએ છીએ.’’

ઇલફર્ડ સાઉથના ભારતીય મૂળના લેબર સાંસદ જસ અટવાલે સોશિયલ મીડિયા પર ફાયર ક્રૂનો આભાર વ્યક્ત કરતાં લખ્યું હતું કે “ક્લીવલેન્ડ રોડ પર શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટરમાં લાગેલી આગ બુઝાઈ ગઈ છે. બહાદુર ક્રૂનો તેમના ઝડપી પ્રતિભાવ અને સમુદાયને સુરક્ષિત રાખવા બદલ આભાર. હું ઇમરજન્સી સેવાઓના સંપર્કમાં છું. નજીકના મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.”

આગના કારણે ઇલ્ફર્ડ લેન નજીકના વિસ્તાર અને ત્યાંથી સનીસાઇડ રોડ વચ્ચેના મોટાભાગના રસ્તાઓ બંધ કરાતા નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. તો ધુમાડાને કારણે રહેવાસીઓને ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખવાની સલાહ આપવામાં આવી હતી. તપાસ માટે ક્લીવલેન્ડ રોડ અને આલ્બર્ટ રોડ બંધ રખાયા હતા.”

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી (યુકે)ની સ્થાપના 30 વર્ષ પહેલાં થઈ હતી અને સમાજની 11 શાખાઓ સમગ્ર યુકેમાં કાર્યરત છે.

 

LEAVE A REPLY