એગ્રીમેન્ટ

ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચે ડિસેમ્બર સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સહમતિ સધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યુરોપીયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લિયેને જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણેક વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને અટકાવવામાં ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે. યુરોપીયન કાઉન્સિલના વડા એન્ટોનિયો કોસ્ટા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની સંયુક્ત ટેલિફોન ચર્ચા દરમિયાન ઉર્સુલા લિયેને આ નિવેદન આપ્યું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર વિશ્વ પર લાદેલા ટેરિફ વોર વચ્ચે યોજાયેલી ત્રણેય વડાઓ વચ્ચેની વાતચીત દરમિયાન ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ડિસેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ યુરોપીયન કાઉન્સિલના વડા કોસ્ટા તથા યુરોપીયન કમિશનનાં લિયેનને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારત અને યુનિયન વચ્ચે વેપાર, ટેક્નોલોજી, રોકાણ, સંશોધન, સંરક્ષણ તથા સપ્લાય ચેઈન સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મુદ્દે પણ ત્રણેય વડાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.

 

LEAVE A REPLY