અમેરિકાની જાણીતી ટેકનોલોજી કંપની એપલ ઈન્ક.નું ભારતમાં વેચાણ ગત નાણાકીય વર્ષ 2024-25માં 9 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. રીટેઇલ ગ્રાહકોમાં એપલના મોબાઈલ ફોનની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. માર્ચના અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલની ભારતમાં આવક 13 ટકા વધી છે અને બિલિયન ડોલરથી વધીને 9 બિલિયન ડોલર થઈ છે તેમ સૂત્રએ કહ્યું હતું. ફોનની સાથે મેકબૂક કમ્પ્યૂટર્સની માગ પણ ઘણી વધી હતી. વિશ્વના અનેક દેશોમાં એપલના આઈફોનનું વેચાણ સ્થિર જોવા મળી રહ્યું છે ત્યારે ભારતમાં નોંધપાત્ર વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. કંપની ભારતમાં વેચાણ વધારવા મોટાપાયે રોકાણ કરી રહી છે અને આગામી વર્ષોમાં તે ભારતને તેના આઈફોન સહિતની પ્રોડક્ટ્સના વેચાણ માટે મહત્વનું માર્કેટ બનાવવા ઇચ્છે છે. એપલનું સૌથી વધુ વેચાણ ચીનમાં થયું હતું. ચીનમાં જૂન ક્વાર્ટરમાં વેચાણ 4.4 ટકા વધ્યું હતું. જોકે છેલ્લાં બે વર્ષમાં આ પ્રથમ ક્વાર્ટર હતું કે જેમાં તેનું વેચાણ વધ્યું છે. ભારતમાં રીટેઇલ વેચાણ વધારવા માટે એપલે બેંગલુરુ અને પુણેમાં તાજેતરમાં જ નવા સ્ટોર શરૂ કર્યા હતા. તે દિલ્હી નજીક નોઈડામાં અને મુંબઈમાં નવો સ્ટોર આવતા વર્ષની શરૂઆતમાં કરશે.
