બ્રિટનના નવા હોમ સેક્રેટરી શબાના મહમૂદે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક વલણ અપનાવી ચેતવણી આપી છે કે જે દેશો તેમના ગેરકાયદેસર નાગરિકોને પાછા લેવાનો ઇનકાર કરશે તે દેશોને યુકેના વિઝા સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. તેમણે એસાયલમ સિકર્સને હોટેલમાંથી કાઢીને લશ્કરી બેરેક્સમાં ખસેડવાની, ગેરકાયદેસર લોકો કામ-ધંધો ન કરી શકે તે માટે યોગ્ય પગલા લેવાની અને દેશના દરેક નાગરીકો માટે ડિજિટલ ID સિસ્ટમ્સ માટે સમર્થન આપવાની ખાતરી આપી હતી.
હોમ સેક્રેટરી તરીકે નિમણુંક થયાના બે દિવસમાં જ મહમૂદે કહ્યું હતું કે હું રાષ્ટ્રની સરહદોને સુરક્ષિત કરવા માટે જે કંઈ પણ કરવું પડેશે તે કરીશ. નાની હોડીઓમાં ઘુસી આવતા હજ્જારો લોકો એસાયલમ પ્રણાલી પર દબાણ લાવી રહ્યા છે ત્યારે તેમણે પોતાના પુરોગામીઓ કરતાં વધુ મજબૂત રીતે કાર્ય કરવાનું વચન આપ્યું છે. તેમણે ઇંગ્લિશ ચેનલની વર્તમાન પરિસ્થિતિને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવી હતી. આ વર્ષે નાની હોડીઓમાં 30,000થી વધુ લોકો ચેનલ ક્રોસ કરી યુકેમાં ઘુસી ચૂક્યા છે.
તેમની આ ટિપ્પણીઓ યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ – “ફાઇવ આઇઝ”ના સીક્યુરીટી અને ઇન્ટીરીયર મિનિસ્ટર્સ સાથે લંડનમાં ઉચ્ચ-સ્તરીય બેઠક બાદ આવી હતી. આ શિખર સંમેલનમાં, પાંચ રાષ્ટ્રો અનિયમિત સ્થળાંતર પર સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા. જેમાં માનવ-તસ્કરી કરતી ગેંગો સામે સંકલિત કાર્યવાહી કરવા અને રહેવાનો કાયદેસર અધિકાર ન ધરાવતા લોકોને પરત કરવા માટે મજબૂત પદ્ધતિઓ અપનાવવાનો સમાવેશ થાય છે.
ઇલીગલ ક્રોસિંગ હજુ પણ વધી રહ્યા છે અને જાહેર દબાણ વધી રહ્યું છે, ત્યારે હોમ સેક્રેટરી મહમૂદે કહ્યું હતું કે ‘’સાથી દેશો સાથેની ચર્ચામાં વિઝા પ્રતિબંધોનો ઉપયોગ કરવાનો વિકલ્પ શામેલ છે. જો તમે ગેરકાયદેસર રીતે વસતા નાગરીકને પરત લઇ ન શકતા હો તો તમારા કોઈ નાગરિકને અમારા દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જે દેશો દેશનિકાલ પર સહકાર આપવાની ઇચ્છા ધરાવશે તેમની સાથે ભવિષ્યમાં વિઝાની નીતિ અખત્યાર કરવામાં આવશે. હું એવી વ્યક્તિ નથી જે આસપાસ લટકતી રહે.”
એસાયલમ સિકર્સના લાંબા ગાળાના હોટેલ રહેઠાણના ખર્ચ અંગેની ચિંતાઓમાં વધારો થયા પછી, હોમ સેક્રેટરીએ એસાયલમ સિકર્સને હોટલમાંથી કાઢીને લશ્કરી બેરેક્સમાં ખસેડવાની યોજનાઓની પણ પુષ્ટિ કરી હતી. ડીફેન્સ સેક્રેટરી જોન હીલીએ લશ્કરી પ્લાનર્સને કામચલાઉ રહેઠાણ માટે ફરીથી ઉપયોગમાં લેવા માટે યોગ્ય એવી બેરેક્સ અને તાલીમ છાવણીઓને ઓળખવા માટે અધિકૃત કર્યા છે.
આ ઉપરાંત મહમૂદ ગેરકાયદેસર લોકો કામ-ધંધો ન કરી શકે અને વસાહતીઓના અનિયમિત આગમનને રોકવા માટે નવા પગલાં પર વિચાર કરી રહ્યા છે. તેમણે ડિજિટલ ID સિસ્ટમ્સ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું જો કે આવા કાર્ડ ફરજિયાત હશે કે નહીં તે કહ્યું ન હતું.
મહમૂદે યુકેમાં યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ કેવી રીતે લાગુ થાય છે તેનું પુનર્મૂલ્યાંકન કરવાના લેબરના ઇરાદાનો સંકેત આપ્યો હતો. તેણીએ દલીલ કરી હતી કે માનવ અધિકારો અને સરહદ અમલીકરણ વચ્ચેનું સંતુલન “યોગ્ય સ્થાને નથી”, પરંતુ કન્વેન્શનને સંપૂર્ણપણે છોડી દેવાનો ઇનકાર કર્યો હતો. જો કે રિફોર્મ યુકે અને કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોક આ અંગે વિચારણા કરી રહ્યા છે.
મહમૂદે કહ્યું હતું કે યુકે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સમાંથી નીકળી જશે તો “રાષ્ટ્રીય હિતમાં ન હોય તેવા પરિણામો” આવશે, પરંતુ તેમણે પુષ્ટિ આપી હતી કે મિનિસ્ટર્સ સરહદ સુરક્ષાને વધુ વજન આપવા માટે કાયદા અને માર્ગદર્શનમાં ગોઠવણોની શોધ કરશે. વિઝા સસ્પેન્શનની ધમકી આપવાના નિવેદનની તીવ્ર રાજકીય પ્રતિક્રિયા આવી છે.
પાકિસ્તાની મૂળના માતાપિતાની પુત્રી શબાના મહમૂદ 2010થી બર્મિંગહામ લેડીવુડના સાંસદ તરીકે સેવાઓ આપે છે અને હવે બ્રિટિશ રાજકારણમાં સૌથી વરિષ્ઠ મુસ્લિમ મહિલાઓમાંના એક છે.
