સુપ્રીમ કોર્ટે સોમવાર, 15 સપ્ટેમ્બરે વકફ (સુધારા) ધારા, 2025ની ઘણી મુખ્ય જોગવાઈઓ પર રોક લગાવી દીધી હતી, જેમાં એવી કલમનો સમાવેશ થાય છે કે છેલ્લા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરનારાઓ જ મિલકતને વકફ તરીકે સમર્પિત કરી શકે છે. જોકે સર્વોચ્ચ અદાલતે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.
વિવાદાસ્પદ વકફ (સુધારા) ધારા અંગેના વચગાળાના આદેશમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અમે એવું માન્યું છે કે ધારણા હંમેશા કાયદાની બંધારણીયતાની તરફેણમાં હોય છે અને ફક્ત દુર્લભમાં દુર્લભ કિસ્સાઓમાં જ હસ્તક્ષેપ કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલતે વકફ મિલકતોની સ્થિતિ નક્કી કરવા માટે કલેક્ટરને આપવામાં આવેલી સત્તાઓ પર પણ રોક લગાવી હતી. કોર્ટે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ ભાગીદારીના વિવાદાસ્પદ મુદ્દા પર ચુકાદો આપતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં 20માંથી ચારથી વધુ બિન-મુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ, અને રાજ્ય વકફ બોર્ડમાં 11માંથી ત્રણથી વધુ સભ્યો બિન મુસ્લિમ ન હોવા જોઈએ.
CJIએ કહ્યું હતું કે બેન્ચે નવા કાયદામાં દરેક કલમ સામે પડકાર ફેંકતી અરજીઓની વિચારણા કરી હતી અને પરંતુ સંપૂર્ણ કાયદાને રોકવા માટે કોઈ અરજી કરાઈ નથી. પરંતુ કેટલાંક વર્ગોને થોડી સુરક્ષાની જરૂર છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વ્યક્તિ વકફ તરીકે મિલકત સમર્પિત કરી શકે તે પહેલાં છેલ્લા પાંચ વર્ષથી મુસ્લિમ હોવું જરૂરી છે તે જરૂરિયાત (કલમ 3(r)) પર રાજ્ય સરકારના નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી રોક લગાવવામાં આવી છેસ જેથી તપાસ કરી શકાય કે વ્યક્તિ મુસ્લિમ છે કે નહીં. આવા કોઈ નિયમ કે વ્યવસ્થાતંત્ર વિના, આ જોગવાઈ સત્તાનો મનસ્વી ઉપયોગ તરફ દોરી જશે
