REUTERS/Satish Kumar
એશિયા કપમાં રવિવારે દુબઈમાં રમાયેલી મેચમાં ટૉસ સમયે કે વિજય પછી કોઈ ભારતીય ખેલાડીએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતો. આ મુદ્દે ભારે વિવાદ ચગ્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરિયાદ કરી છે.
ભારતીય ખેલાડીઓએ હાથ નહીં મિલાવ્યાના કારણે નિરાશ થયેલો પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાજર રહ્યો નહોતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરીને ટુર્નામેન્ટમાંથી હટાવવાની માગણી પણ કરી છે.
હાથ નહીં મિલાવવાના મુદ્દે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, એશિયા કપના મામલે ભારતીય ક્રિકેટ અને સરકારનું વલણ સ્પષ્ટ છે. આ જ કારણે ટીમ મેનેજમેન્ટ તરીકે અમે આ નિર્ણય લીધો.
બીજી તરફ, પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસને જણાવ્યું કે, અમારી ટીમ મેચ પછી હાથ મિલાવવાની રાહ જોઈ રહી હતી, પરંતુ પાછળથી ખબર પડી કે ભારતે તેમની અવગણના કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચના થોડા કલાકો પછી એક નિવેદનમાં કહ્યું, “અમારા ટીમ મેનેજર નવીદ અકરમ ચીમાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે ઔપચારિક વિરોધ નોંધાવ્યો, કારણ કે તેમણે ટૉસ સમયે કેપ્ટનોને હાથ નહીં મિલાવવાની વિનંતી કરી હતી.” મેચ રેફરી પાયક્રોફ્ટે આ મુદ્દે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ મેચ રેફરીની ફરિયાદ કરી હતી. તેમણે કાઉન્સિલ સમક્ષ મેચ રેફરીને બદલવાની માગ કરી છે.

LEAVE A REPLY