કમલા હેરિસ પોતાના નવા પુસ્તક ‘107 ડેઇઝ’માં ગત વર્ષે પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે થયેલી હારના વિવિધ તારણો-કારણો લોકો સમક્ષ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ 2024ની ચૂંટણીમાં હારી ગયા હતા ત્યારે તેમને વિશ્વાસ જ નહોતો થયો થયો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમનાં એક મદદનીશે ‘મેડમ પ્રેસિડેન્ટ’ની ઉજવણીના કપકેક કર્મચારીઓને આપી દીધા હતા. આ સ્થિતિમાં હેરિસ બોલી રહ્યા હતા કે, ‘હે મારા ભગવાન, આપણા દેશનું શું થશે?’ હેરિસે વધુમાં લખ્યું હતું કે, પરિણામના બીજા દિવસે સવારે પણ સ્થિતિ આટલી સરળ નહોતી. આ પુસ્તકનું વિમોચન મંગળવારે કરવાનું આયોજન કરાયું હતું. આ પુસ્તકનું શીર્ષક ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હેરિસે જો બાઇડેન પ્રેસિડેન્ટ પદની હરિફાઇમાંથી બહાર નીકળ્યા પછી ટ્રમ્પ સામે શરૂ કરેલા ઝંઝાવાતી પ્રચારના વ્યાપને દર્શાવે છે. આ પુસ્તકમાં કોઈ સંસ્મરણો કે રાજકીય બાબતોનો ઉલ્લેખ કે હેરિસની કોઈ ભવિષ્યની યોજનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમાં ચૂંટણીના દિવસોનો માહોલ રજૂ કરવામાં આવ્યો છે.
