(ANI Photo)

અમેરિકાના ન્યાય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ જર્સીએ રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરીને ક્લીનચીટ આપી છે. આ નિર્ણયને આવકારતા ગુરુવાર, 18 સપ્ટેમ્બરે બીએપીએસએ જણાવ્યું હતું કે તે સ્વામિનારાયણ અક્ષરધામની નિર્દોષતા, પ્રામાણિકતા, શુદ્ધતા તથા અખંડિતતાની પુનઃ પુષ્ટિ આપે છે કે કોઈ આરોપો ઘડાયા ન હતાં.

આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવાં ગંભીર આરોપો લગાવ્યા હતા. તેના કારણે આ આરોપો બાબતે અમેરિકી ન્યાયતંત્ર દ્વારા ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન એટલે કે ફોજદારી તપાસ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહી હતી. ચાર વર્ષની ગહન પ્રક્રિયા બાદ ગઈકાલે અમેરિકી ન્યાયતંત્ર દ્વારા આ તમામ આરોપો ફગાવી દઈને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને આ તમામ આરોપોથી ક્લીનચીટ આપી હતી. અમેરિકા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ સરકારના આ ન્યાયપૂર્ણ નિર્ણયને આવકારીને આવા કઠિન સંજોગોમાં સહયોગ આપનાર અનેક હિન્દુ સંસ્થાઓ સહિત સૌનો હાર્દિક આભાર માન્યો હતો.

BAPSએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન સરકારે તપાસને બંધ કરવાનો લીધેલો નિર્ણય શરૂઆતથી જ અમારી સંસ્થા દ્વારા જાળવી રાખવામાં આવેલા નિવેદનનું મક્કમ રીતે સમર્થન કરે છે કે, શાંતિ, સેવા અને પૂજા માટેના પાવન સ્થળ, બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ પ્રેમ, સમર્પણ અને તમામ ક્ષેત્રના હજારો હરીભક્તોની સ્વૈચ્છિક સેવાથી કરાયું છે. અમેરિકામાં વસતો હિન્દુ સમુદાય આ દેશમાં તુલનાત્મક રીતે નવી ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેની વચ્ચે પણ આ પ્રકારનું સીમાચિહ્નરૂપ નિર્માણ અમેરિકાને મહાન બનાવતા મૂલ્યોનો પુરાવો હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું હતું.

સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમુદાય કેવી રીતે અમેરિકાનો અભિન્ન ભાગ બની ગયો છે તેના માટે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એક કાયમી પ્રતીક તરીકે ઊભું છે. અમારા આધ્યાત્મિક પ્રચારોમાં પણ લાંબા સમયથી આગ્રહપૂર્વક શીખવવામાં આવી રહ્યું છે કે, પડકારના સમયમાં પણ વ્યક્તિએ શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ તથા સહકાર, નમ્રતા તેમજ સત્ય તથા સમજણપૂર્વક પ્રતિબદ્ધતા દાખવીને પ્રતિભાવ આપવો જોઈએ. આપણા હજારો વર્ષ જૂના શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે, ‘સત્યમેવ જયતે’ અને ‘સત્યનો હંમેશા વિજય થાય છે.’

આ સમય અનુયાયીઓ માટે જરૂર કપરો રહ્યો હતો પરંતુ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભગવાન અને આ રાષ્ટ્રની આસ્થા પ્રત્યે એક નવી જ ઊર્જા તથા ઊંડા વિશ્વાસ સાથે અમે ઉભરી આવ્યા છીએ.

અમે તમામ લોકોને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લેવા અને અહીંના દરેક ખૂણે રહેલી કલા, પરંપરા, ભક્તિ તથા આસ્થાનો અનુભવ કરવા આવકારીએ છીએ.

LEAVE A REPLY