ગુજરાતમાં હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શકયતા નહિવત છે, જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસે તેવી શક્યતા છે. જ્યારે આગામી ચાર દિવસ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઇ ચૂક્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલની આગાહી છે.
