(Photo by Andrew Harnik/Getty Images)
ભારતના હજારો પ્રોફેશનલ્સને ફટકો પડે તેવા એક પગલામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે H-1B વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને તે $1 લાખ (આશરે રૂ.88 લાખ)  કરતાં ટેકનોલોજી કંપનીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ફીમાં આ કમરતોડ વધારો 21 સપ્ટેમ્બરની સવાર 12.01થી અમલી બનાવવાની જાહેરાતના પગલે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. મોટી સંખ્યામાં આવા વિઝાધારકોને તેમની કંપનીઓએ તેઓ અમેરિકાના ના હોય તો તાત્કાલિક પાછા ફરવા તાકિદ કરી હતી અને પાછા ફરી શકે નહીં તો જોબ ગુમાવવાની શક્યતાની ચેતવણી આપી હતી.
આ સંજોગોમાં વતન જઈ રહેલા કેટલાક લોકો તો ફલાઈટમાં બેસી ગયા પછી મહામહેનતે ફલાઈટ અટકાવી ઉતરી ગયા હતા, તો અનેક લોકોએ પોતાનો રજા ઉપર જવાનો કાર્યક્રમ પડતો મુક્યો હતો. આ તોતીંગ વધારાના પગલે હોબાળો મચી જવાના પગલે પાછળથી વ્હાઈટ હાઉસે એવી સ્પષ્ટતા કરી હતી કે વિઝા ફીમાં આ વધારો ફક્ત નવા અરજદારો માટે છે, હાલના વિઝાધારકો કે રીન્યુઅલ માટે નથી.
હાલમાં H-1B વિઝા ફી લગભગ 2000થી 5000 ડોલર સુધી છે. આ વર્ક વિઝા ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને બીજા ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાય છે.
શુક્રવારે યુએસ વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે ફી વધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે વાર્ષિક ધોરણે વસૂલાશે અને નવા વિઝા તેમજ રીન્યુ કરવા માંગતા લોકોને પણ લાગુ પડશે. સુધારા અને સ્પષ્ટતા છતાં ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
રેડ્ડી ન્યૂમેન બ્રાઉન પીસી નામની બિઝનેસ ઈમિગ્રેશન લો ફર્મના પાર્ટનર સ્ટીવન બ્રાઉને કહ્યું હતું કે વિઝા ફીમાં વધારાની જાહેરાત પછી વ્હાઈટ હાઉસે કરેલી સ્પષ્ટતા ખરેખર તો પારોઠનું પગલું છે. અસલ જાહેરાતમાં સમગ્રપણે એચવન-બી વિઝા ફીમાં વધારાની જાહેરાત કરાઈ હતી, પણ ભારે વિરોધ અને આક્રોશના પગલે તે પગલું આંશિક રીતે પાછું ખેંચાયુ છે.
‘કેટલાંક નોન-ઇમિગ્રન્ટ વર્કર્સના પ્રવેશ પર નિયંત્રણો’ નામના આ આદેશ પર હસ્તાક્ષર કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ટ્રમ્પના નિર્ણયને પગલે ઇમિગ્રેશન વકીલો અને અગ્રણી કંપનીઓએ હાલમાં વર્ક કે વેકેશન માટે અમેરિકાની બહાર રહેલા H-1B વિઝાધારકો અથવા તેમના પરિવારના સભ્યોને આગામી 24 કલાકમાં અમેરિકા પરત ફરવાની સૂચના આપી હતી. જો તેઓ આ સમયગાળામાં પરત નહીં આવે તો ફસાઈ જશે અને અમેરિકામાં પ્રવેશ નકારવામાં આવી શકે છે.
વિઝા ફીવધારા પાછળનું કારણ જાહેર કરતાં વ્હાઇટ હાઉસે એવો પણ દાવો કર્યો છે કે કેટલીયે અમેરિકન કંપનીઓએ આ વર્ષે 40,000થી વધુ અમેરિકી ટેક વર્કર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને એચ-1બી વિઝા ધરાવનારાઓને નોકરી આપી છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (એસટીઈએમ) કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.
ભારતીય અમેરિકન સાંસદોએ ટ્રમ્પના નિર્ણયને અવિચારી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને આકરી ટીકા કરી હતી. રાજા કૃષ્ણમૂર્તિએ આ નિર્ણયને અવિચારી ગણાવીને જણાવ્યું હતું કે વિદેશના હાઇસ્કીલ્ડ વર્કર્સ અમેરિકાના વર્કફોર્સને મજબૂત બનાવ્યો છે, ઇનોવેશનને વેગ આપ્યો છે અને લાખ્ખો અમેરિકનોને રોજગારી આપતા ઉદ્યોગોનું નિર્માણ કર્યું છે, પરંતુ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાને હાઇ સ્કીલ્ડ વર્કર્સ મળતા બંધ થશે. પ્રેસિડન્ટ જો બાઇડનના ભૂતપૂર્વ સલાહકાર તથા ઇમિગ્રેશન નીતિ પર એશિયન-અમેરિકન સમુદાયના નેતા અજય ભૂટોરિયાએ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્ર કટોકટી ઊભી થવાની વોર્નિંગ આપી હતી. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના ટેકનોલોજી પ્રોફેશનલ્સને સૌથી વધુ અસર થશે.

 

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં સહાયક અને હાઇ સ્કીલ્ડ કામગીરી માટે કામચલાઉ કામદારો લાવવા માટે  H-1B વિઝા પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકનની જગ્યાએ ઓછા પગારે વિદેશી કામદારોને નોકરી પર રાખવા માટે તેનો જાણીજોઇને ઉપયોગ કરવામાં આવે છે. H-1B પ્રોગ્રામનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. H-1B પ્રોગ્રામ પર આધારિત  આઉટસોર્સિંગ કંપનીઓ અમેરિકામાં વિદેશી કામદારોને લાવવા માટે વિઝા ફ્રોડ, મની લોન્ડરિંગ કાવતરું અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. આવી કંપનીઓને ઓળખીને તેમની તપાસ ચાલુ છે. H-1B કાર્યક્રમનો ઉપયોગ કરવા માંગતી કંપનીઓ પર વધુ ખર્ચ લાદવો જરૂરી છે, જેથી તેમને કાર્યક્રમનો દુરુપયોગ કરતી રોકી શકાય છે.

LEAVE A REPLY