ભારતના હજારો પ્રોફેશનલ્સને ફટકો પડે તેવી એક હિલચાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા ફીમાં તોતિંગ વધારો કરીને તેને 1 લાખ ડોલર (આશરે રૂ.88 લાખ) કરતાં ટેકનોલોજી કંપનીઓમાં ખળભળાટ મચ્યો હતો. ફીમાં આ કરમતોડ વધારો 21 સપ્ટેમ્બરની સવાર 12.01થી અમલી બન્યો હતો. હાલમાં H-1B વિઝા ફી લગભગ 2000થી 5000 ડોલર સુધી છે. આ વર્ક વિઝા ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને બીજા ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાય છે.
એક લાખ ડોલરની ફી વાર્ષિક ધોરણે લાગુ પડશે કે નહીં તે અંગે મોટી મૂંઝવણ ઊભી થઈ હતી અને અમેરિકાની બહાર રહેલા એચ-1બી વિઝાહોલ્ડર્સને તાકીદે પરત ફરવા લાગ્યા હતાં. અમેરિકાની બહાર જઈ રહેલા ઘણા પ્રોફેશનલ વિમાનમાં બેઠા પછી પણ નીચે ઉતરી ગયાં હતાં.
જોકે વ્હાઇટ હાઉસે શનિવારે મોટી સ્પષ્ટતા કરી હતી કે $100,000 ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવતી “એક વખતની” ચુકવણી હશે. તે વાર્ષિક ફી નથી અને નવા વિઝા માટે લાગુ પડશે, રિન્યુઅલ માટે નહીં. અગાઉ શુક્રવારે યુએસ વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તે વાર્ષિક ધોરણે વસૂલવામાં આવશે, અને નવા વિઝા તેમજ રિન્યુ કરવા માંગતા લોકો પર લાગુ થશે. ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
‘કેટલાંક નોન-ઇમિગ્રન્ટ વર્કર્સના પ્રવેશ પર નિયંત્રણો’ નામના આ આદેશ પર હસ્તાક્ષર કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ટ્રમ્પના નિર્ણયને પગલે ઇમિગ્રેશન વકીલો અને અગ્રણી કંપનીઓએ હાલમાં વર્ક કે વેકેશન માટે અમેરિકાની બહાર રહેલા H-1B વિઝાધારકો અથવા તેમના પરિવારના સભ્યોને આગામી 24 કલાકમાં અમેરિકા પરત ફરવાની સૂચના આપી હતી. જો તેઓ આ સમયગાળામાં પરત નહીં આવે તો ફસાઈ જશે અને અમેરિકામાં પ્રવેશ નકારવામાં આવી શકે છે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં સહાયક અને હાઇ સ્કીલ્ડ કામગીરી માટે કામચલાઉ કામદારો લાવવા માટે H-1B વિઝા પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકનની જગ્યાએ ઓછા પગારે વિદેશી કામદારોને નોકરી પર રાખવા માટે તેનો જાણીજોઇને ઉપયોગ કરવામાં આવે છે. H-1B પ્રોગ્રામનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. H-1B પ્રોગ્રામ પર આધારિત આઉટસોર્સિંગ કંપનીઓ અમેરિકામાં વિદેશી કામદારોને લાવવા માટે વિઝા ફ્રોડ, મની લોન્ડરિંગ કાવતરું અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. આવી કંપનીઓને ઓળખીને તેમની તપાસ ચાલુ છે. H-1B કાર્યક્રમનો ઉપયોગ કરવા માંગતી કંપનીઓ પર વધુ ખર્ચ લાદવો જરૂરી છે, જેથી તેમને કાર્યક્રમનો દુરુપયોગ કરતી રોકી શકાય છે.
