અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગર્ભવતી મહિલાઓને જાણીતી પેઇનકિલર ટાયલેનોલ (પેરાસિટામોલ) ન લેવાની સલાહ આપી હતી. તેમણે ઓટીઝમને બાળપણમાં રસીના ઉપયોગ અને ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા આ દવાના સેવન સાથે કનેક્શન હોવાનો દાવો કર્યો હતો.
વ્હાઇટ હાઉસ ખાતે એક અસાધારણ પ્રેસ કોન્ફરન્સમાં રિપબ્લિકન પ્રેસિડન્ટે સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોના માતાપિતાને તબીબી સલાહ આપી હતી. તેમને આ પેઇનકિલરનો ઉપયોગ ન કરવા વારંવાર કહ્યું હતું. તેમણે વધુમાં સલાહ આપી હતી કે બાળકના જીવનની શરૂઆતમાં સામાન્ય રસીઓ એકસાથે ન લેવી જોઈએ.ટ્રમ્પે ટાઈલેનોલને ‘સારું નથી’ ગણાવતા કહ્યું કે મહિલાઓએ તેને માત્ર ગંભીર તાવ જેવી અત્યંત આવશ્યક સ્થિતિમાં જ લેવું જોઈએ.
આ ઉપરાંત, તેમણે નવજાત શિશુના રસીકરણના શેડ્યુલમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કોઈપણ પુરાવા વગર દાવો કર્યો હતું કે હેપેટાઇટિસ-બી જેવી બીમારી માટે જન્મ બાદ તરત રસી આપવી જરૂરી નથી. ટ્રમ્પનું માનવું છે કે બાળક 12 વર્ષનું થાય અને સંપૂર્ણ વિકસિત થાય, ત્યાં સુધી રસી આપવા માટે રાહ જોવી જોઈએ.
તેમની સલાહ મેડિકલ વિશ્વ માટે ચકિત કરનારી બની હતી. મેડિકલ એસોસિયેશનને જણાવ્યું હતું કે ટાયલેનોલમાં સક્રિય ઘટક એસિટામિનોફેન ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં સલામત ભૂમિકા ભજવે છે.
વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ઓવર-ધ-કાઉન્ટર પેઇન કિલર દવા પેરાસીટામોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અને અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ સહિત ડઝનબંધ સંસ્થાઓને ટ્રમ્પના આ દાવાને પુરાવા વગરનો ગણાવ્યો હતો.
બ્રિટનના આરોગ્ય નિયમનકારે સોમવારે જણાવ્યું હતું કે પેરાસીટામોલનો ઉપયોગ કરવો સલામત છે અને બાળકોમાં ઓટીઝમ થવાના કોઈ પુરાવા નથી.
ટ્રમ્પ વહીવટીતંત્રની નવી હેલ્થકેર નીતિથી અમેરિકાના ડૉકટરો અને વૈજ્ઞાનિકો ચિંતિત છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેન (ટાઈલેનોલ) સૌથી સુરક્ષિત પેઇનકિલર છે અને જો તાવ કે પીડાની સારવાર ન થાય, તો તે માતા અને બાળક બંને માટે જોખમકારક છે. અત્યાર સુધીના સંશોધનો એ સાબિત કરતા નથી કે ગર્ભાવસ્થામાં ટાઈલેનોલ લેવાથી ઓટિઝમ થાય છે, કારણ કે તબીબી નિષ્ણાતોનું માનવું છે કે ઓટિઝમનો પેરાસિટામોલ સાથે કોઈ સીધો સંબંધ નથી અને તેના માટે કોઈ એક કારણ જવાબદાર નથી.
