ફેન્ટાનાઇલ અને અન્ય ગેરકાયદેસર ડ્રગ્સથી ભરેલી નકલી પ્રિસ્ક્રિપ્શન ગોળીઓનો સપ્લાય કરવા બદલ અમેરિકાના નાણા મંત્રાલયે બે ભારતીય નાગરિકો અને ભારત સ્થિત એક ઓનલાઈન ફાર્મસી પર બુધવારે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધો હેઠળ અમેરિકા સ્થિત તેમની તમામ પ્રોપર્ટી જપ્ત કરાશે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC)એ નિવેદનમાં જણાવાયું હતું કે ફેન્ટાનાઇલ અને અન્ય ગેરકાયદેસર દવાઓથી ભરેલી લાખો નકલી પ્રિસ્ક્રિપ્શન ગોળીઓ સામૂહિક રીતે સપ્લાય કરવામાં તેમની ભૂમિકા બદલ સાદિક અબ્બાસ હબીબ સૈયદ અને ખિઝર મોહમ્મદ ઈકબાલ શેખ પર પ્રતિબંધ મૂકાયો છે.
સાદિક અને ખીઝાર ડોમિનિકન રિપબ્લિક અને યુએસ સ્થિત નાર્કોટિક્સના તસ્કરો સાથે મળીને અમેરિકનોને નકલી ગોળીઓ વેચતા હતાં. તેમણે આ ગોળીઓને ડિસ્કાઉન્ટેડ, કાયદેસર ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો તરીકે માર્કેટિંગ કરીને અને વેચી હતી, જે ફેન્ટાનાઇલ, ફેન્ટાનાઇલ એનાલોગ અને મેથામ્ફેટામાઇન જેવી ગેરકાયદેસર દવાઓથી ભરેલી હતી
ખીઝર પ્રતિબંધ મૂકાયેલી ઓનલાઈન ફાર્મસી, કેએસ ઈન્ટરનેશનલ ટ્રેડર્સ (ઉર્ફે “કેએસ ફાર્મસી”)નો માલિક પણ છે, જેનો ઉપયોગ શેખની ગુનાહિત પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે થાય છે.
પ્રતિબંધો હેઠળ અમેરિકા સ્થિત આ ભારતીય નાગરિકોની અથવા અમેરિકન વ્યક્તિઓના કબજા અથવા નિયંત્રણમાં રહેલી તેમની બધી મિલકતો અને હિતો બ્લોક કરવામાં આવ્યા છે અને તેની જાણ OFACને કરવી આવશ્યક છે.
