ભારતમાં બિલિયોનેરની સંખ્યા વધી 350 થઈ છે, જે 13 વર્ષ પહેલાની સંખ્યા કરતાં છ ગણો વધારો દર્શાવે છે. દેશમાં કુલ 1,687 વ્યક્તિઓની સંપત્તિ રૂ.1,000 કરોડથી વધુ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 284નો વધારો દર્શાવે છે. સરેરાશ ધોરણે જોવા જઈએ તો દેશમાં છેલ્લાં બે વર્ષમાં દર સપ્તાહે એક નવા અબજપતિનો ઉમેરો થયો છે.
બુધવારે જારી કરાયેલા M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં ગૌતમ અદાણીને પાછળ રાખી મુકેશ અંબાણીએ
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિનું બિરુદ ફરી હાંસલ કર્યું છે. રૂ.9.55 લાખ કરોડ (105 અબજ)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 68 વર્ષીય ચેરમેન ફરી ટોચના સ્થાને આવ્યા હતા. આની સામે ગૌતમ અદાણી અને તેમના પરિવારની સંપત્તિ રૂ.8.15 લાખ કરોડ છે.
પ્રથમ વખત ટોચના ત્રણ ધનિકોમાં એક મહિલાએ સ્થાન મેળવ્યું છે. 44 વર્ષીય રોશની નાદર મલ્હોત્રા અને તેમનો પરિવાર રૂ.2.84 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. રોશની માત્ર ભારતના સૌથી ધનિક મહિલા બન્યાં નથી, પરંતુ તેઓ ટોચના 10 ધનિકોમાં સૌથી નાની વયના મહિલા પણ છે.
રીપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતના સૌથી ધનિકોની સંપત્તિમાં દૈનિક ધોરણે રૂ.1,991 કરોડનો વધારો થયો હતો. નીરજ બજાજના વડપણ હેઠળના બજાજ પરિવારની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો હતો. બજાજ પરિવારની સંપત્તિ રૂ.69,875 કરોડ વધી રૂ.2.22 લાખ કરોડ થઈ હતી અને તેઓ છઠ્ઠા સ્થાને પહોંચી ગયાં હતાં.
ટોચના 10 ધનિકોમાં સાયરલ પૂનવાલાના પરિવાર રૂ.2.46 લાખ કરોડ સાથે ચોથા, કુમાર મંગલમ બિરલા પરિવાર 2.32 લાખ કરોડ સાથે 5માં ક્રમે રહ્યો હતો.
