
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ દુનિયાભરમાં 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવાઇ રહી છે ત્યારે ત્રણ દિવસ પૂર્વે જ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની પ્લીન્થ પર કાળા સ્પ્રે પેઇન્ટ વડે ‘ટેરરીસ્ટ’ અને ‘ગાંધી, મોદી અને હિન્દુસ્તાની’ લખી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. આ ઘટનાની જાણકારી મળતા લંડન પોલીસે તપાસ શરુ કરી હતી.
નારાજગી વ્યક્ત કરતાં ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી અને તેની આકરી નિંદા કરવી જોઈએ. આ “શરમજનક” બનાવ અહિંસાના ઉપાસક અને મહાત્મા ગાંધીની વિરાસત પર કરાયેલો હુમલો છે. યુકેની સુરક્ષા એજન્સીઓએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રતિમાના સમારકામ માટે હાઈ કમિશનની ટીમ અને અધિકારીઓ કાર્યરત છે. મેટ્રોપોલિટન પોલીસ અને સ્થાનિક કેમડેન કાઉન્સિલના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
પોલિશ શિલ્પકાર ફ્રેડા બ્રિલિયન્ટ દ્વારા બનાવવામાં આવેલી આ કાંસ્ય પ્રતિમા યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે ગાંધીજીના વર્ષોના કાર્યોને શ્રદ્ધાંજલિ આપવા 1968માં ખુલ્લી મૂકવામાં આવી હતી.
અ અગાઉ 2014માં લેસ્ટરમાં ગાંધીજીની પ્રતિમાને ગ્રેફિટીથી નુકશાન કરાયું હતુ. તો યુકેના કેટલાક ભાગોમાં ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે.
