(PTI Photo)

પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવાર, 2 ઓક્ટોબરે સવારે મિર્ઝાપુરમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતાં. પંડિત મિશ્રા કિરાના ઘરાનાના જાણીતા ગાયક હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ પંડિત છન્નુલાલ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓ રામ ચરિત માનસના ગાયન માટે એક જમાનામાં ઘરઘરમાં પોપ્યુલર થયા હતા. એ પછી નવી પેઢીમાં આરક્ષણ ફિલ્મમાં તેમણે ગાયેલા બે ગીતો કૌન સી ડૌર અને સાંસ અલબેલી ગીતો માટે જાણીતા થયા હતા. તેમના પત્નીના નિધન બાદ તેઓ તેમની દીકરી સાથે મિર્ઝાપુરમાં રહેતા હતા.

મોદીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જાણીતાં શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમણે પોતાનું સમગ્ર જીવન ભારતીય કલા અને સંસ્કૃતિના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમણે શાસ્ત્રીય સંગીતને લોકો સુધી પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.”

આઝમગઢમાં ૩ ઓગસ્ટ, ૧૯૩૬માં જન્મેલા પંડિત છન્નુલાલ મિશ્રા બનારસ-કિરાના ઘરાનાના ગાયક હતા. તેઓ ખયાલ અને ઠુમરી માટે જાણીતા હતા. તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ ૨૦૨૦માં મળ્યો હતો. તેમના પિતા પંડિત બદ્રી પ્રસાદ મિશ્રા બનારસ ઘરાનાના ગાયક હતા. તેમણે બાળપણથી જ પિતા પાસેથી બનારસ ઘરાનાની તાલીમ લીધી હતી. એ પછી તેમણે ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી કિરાના ઘરાનાની બારિકી શીખી હતી.

તેઓ ખયાલ અને ઠુમરીના ગાયન માટે બેહદ જાણીતા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે પંડિત છન્નુલાલ મિશ્રા તેમના પ્રસ્તાવક હતા. એ વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

LEAVE A REPLY