સ્ટાર્મર
(DPR PMO/ANI Photo)

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર 8-9 ઓક્ટોબરે બે દિવસની ભારત મુલાકાતે જશે. ગયા વર્ષે જુલાઈમાં વડાપ્રધાન બન્યા પછી સ્ટાર્મરની આ પ્રથમ ભારત મુલાકાત છે. સ્ટાર્મર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મુંબઈમાં બેઠક યોજશે.
બંને દેશોએ સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યાના અઢી મહિના પછી સ્ટાર્મર ભારતની મુલાકાત લઈ રહ્યાં છે. એફટીએથી 2030 સુધીમાં બંને દેશો વચ્ચે વેપાર બમણો થવાની ધારણા છે. જુલાઈમાં મોદીની લંડન મુલાકાત દરમિયાન આ સીમાચિહ્નરૂપ વેપાર સોદો પર હસ્તાક્ષર થયા હતાં.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને વડાપ્રધાનો તેમની વાતચીતમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓમાં પ્રગતિનો અભ્યાસ કરશે, જે ‘વિઝન 2035’ને અનુરૂપ છે, જે સંબંધોને મજબૂત બનાવવા માટે કાર્યક્રમો અને પહેલનો 10 વર્ષનો રોડમેપ છે. આ રોડમેપના મુખ્ય સ્તંભો વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને ઊર્જા, આરોગ્ય, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો છે. બંને નેતાઓ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) ઊભી થયેલી તકો અંગે બિઝનેસ અને ઉદ્યોગના વડાઓ સાથે પણ મંત્રણા કરશે. બંને વડા પ્રધાનો પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.

મુંબઈમાં મોદી અને સ્ટાર્મર છઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ હાજરી આપશે અને સંબોધન કરશે. બંને નેતાઓ ઉદ્યોગ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઇનોવેટર્સ સાથે પણ વાતચીત કરશે.

યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ પછી યુકે ભારત સાથે એફટીએ કરાર કર્યો હતો. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ડબલ કન્ટ્રીબ્યુશન કરાર પણ થયા છે. આ કરાર હેઠળ ભારતીય કામદારોના નોકરીદાતાઓને યુકેમાં સામાજિક સુરક્ષા યોગદાન ચૂકવવાથી મુક્તિ મળે છે.

ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2023-24માં 55 બિલિયન ડોલરને વટાવી ગયો હતો. ભારતમાં યુકે છઠ્ઠા ક્રમે સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. ભારતમાં યુકેનું કુલ રોકાણ આશરે 26 બિલિયન ડોલર છે. આની સામે યુકેમાં ભારતનું રોકાણ 20 બિલિયન ડોલર છે અને ભારતની આશરે 1,000 કંપનીઓ યુકેમાં કાર્યરત છે અને આશરે 100,000 લોકોને રોજગારી આપે છે.

LEAVE A REPLY