ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તહેવારોની સીઝન પહેલા વિમાન ભાડાના ટ્રેન્ડની સમીક્ષા ચાલુ કરી છે તથા કંપનીઓને ટિકિટના ભાવમાં કોઈ તીવ્ર વધારો કરવાની જગ્યાએ ફ્લાઇટ ક્ષમતા વધારો કરવાની તાકીદ કરી છે.
સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારાને કારણે વિમાન ભાડામાં ઉછાળો આવતો હોય છે, તેથી નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેના પર લગામ મૂકવા સક્રિય બન્યું છે. DGCA ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન વિમાન ભાડા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નિયમનકારી સંસ્થાએ એરલાઇન્સને મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા અને મુસાફરો માટે યોગ્ય ભાવ જળવાઈ રહે તે માટે વધારાની ફ્લાઇટ્સ તૈનાત કરવાની તાકીદ કરી છે.
સરકારના આ આદેશ પછી અગ્રણી એરલાઇન્સ કંપનીઓએ મહત્ત્વના રૂટ પર સેંકડો વધારાની ફ્લાઇટ્સ ઉમેરવાની યોજના તૈયાર કરી છે. ઇન્ડિગો 42 સેક્ટર્સમાં લગભગ 730 વધારાની ફ્લાઇટ્સનું ઉડ્ડયન કરશે, જ્યારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 રૂટ પર લગભગ 486 વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરશે. સ્પાઇસજેટ 38 રૂટ પર લગભગ 546 ફ્લાઇટ્સ સાથે તેની ક્ષમતામાં વધારો કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિક ઉડ્ડયન કામગીરીમાં પારદર્શકતાં અને સલામતી સુનિશ્ચિત કરવા માટે DGCAએ તેની દેખરેખ અને ઓડિટિંગ પદ્ધતિઓને વધુ સઘન બનાવી છે. સત્તાવાર ડેટા મુજબ, 2020 અને જૂન 2025ની વચ્ચે નિયમનકારે સલામતીના ધોરણોને મજબૂત બનાવવા માટે 171 નિયમનકારી ઓડિટ હાથ ધર્યા હતાં.
