સુપરસ્ટાર શાહરૂખ ખાન ૧૭ વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ્સનું સંચાલન કરશે. શાહરૂખ મનીષ પોલ અને કરણ જોહર સાથે ૧૧ ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનાર એવોર્ડ શોનું સહ-હોસ્ટિંગ કરશે.
59 વર્ષીય સુપરસ્ટારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલ્મફેરના 70મા વર્ષે સહ-યજમાન તરીકે પાછા ફરવું ખરેખર ખાસ છે, અને હું વચન આપું છું કે અમે તેને યાદગાર નાઇટ બનાવીશું, જે હાસ્ય, યાદો અને આપણે બધાને ગમતી ફિલ્મોની ઉજવણીથી ભરેલી હશે.
શાહરૂખે અગાઉ અનેક પ્રસંગોએ ફિલ્મફેર એવોર્ડ્સનું સંચાલન કર્યું છે, જેમાં 2003 અને 2004માં તેના “કલ હો ના હો” ના સહ-અભિનેતા સૈફ અલી ખાન સાથે અને 2007માં જોહર સાથેનો સમાવેશ થાય છે.હોસ્ટ તરીકે તેમનો છેલ્લો કાર્યક્રમ 2008 માં 53મા ફિલ્મફેર એવોર્ડ્સ હતો, જ્યાં તેમણે સૈફ, કરણ અને વિદ્યા બાલન સાથે સ્ટેજ શેર કર્યો હતો. ત્યારથી, તેઓ ફક્ત થોડા જ સેગમેન્ટમાં મહેમાન હોસ્ટ તરીકે દેખાયા છે.
કરણ જોહરે કહ્યું હતું કે “ફિલ્મફેર ફક્ત એક પુરસ્કાર નથી, તે એક એવો વારસો છે જેણે ભારતીય સિનેમાનાને આકાર આપ્યો છે અને પેઢી દર પેઢી જીવંત રહે છે. વર્ષ 2000થી, મેં લગભગ દરેક ફિલ્મફેર પુરસ્કારોમાં હાજરી આપી છે અને ઘણાને હોસ્ટ પણ કર્યા છે. જેમ જેમ આપણે 70 ભવ્ય વર્ષોની ઉજવણી કરીએ છીએ, મને ખરેખર આનંદ છે કે હું અત્યાર સુધીની સૌથી યાદગાર રાત્રિઓમાંની એક બનવાનું વચન આપતી રાત્રિઓને સહ-હોસ્ટ કરી રહ્યો છું.11 ઓક્ટોબરે, એકા એરેના, કાંકરિયા લેક, અમદાવાદ ખાતે ફિલ્મ ફેર એવોર્ડ 2025 યોજાવાના છે. આ એવોર્ડનું આ 70મું વર્ષ છે, આ પહેલાં 69મા એવોર્ડ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયા હતા. ત્યાર પછી ફરી એક વખત ગુજરાત ટુરીઝમ અને ફિલ્મફેર વચ્ચે એમઓયૂ સાઈન થયા છે. ગયા મહિને આ એવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે.
