ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યાના એક દિવસ પછી 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોઇ ખેદ વ્યક્ત કરવાની જગ્યાએ યુપીની યોગી સરકારના ‘બુલડોઝર ન્યાય’ સામે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લઇને એક દલિત તરીકેની CJIની ઓળખ સહિતના મુદ્દાની આડમાં પોતાના કૃત્યને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. સનામત ધર્મ અંગેની CJIની એક કથિત ટીપ્પણીને પણ રાકેશ કિશોરે વાંધાજનક ગણાવી હતી.
દિલ્હીના રહેવાસી કિશોરે જણાવ્યું કે CJI બંધારણીય પદ પર છે અને તેમને ‘માય લોર્ડ’ કહેવામાં આવે છે, તેથી તેમણે ગરિમા જાળવી રાખવી જોઈએ. હું CJI અને મારો વિરોધ કરી રહેલા લોકોને પૂછું છું કે શું બરેલીમાં સરકારી જમીન પર કબજો કરનારા લોકો સામે યોગીની બુલડોઝર કાર્યવાહી ખોટી હતી? તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથની સરકારે તાજેતરમાં બરેલીમાં રમખાણોના મુસ્લિમ આરોપીઓની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવાનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
CJI ગવઈના તાજેતરના વ્યાખ્યાનનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે તમે મોરેશિયસ જાઓ છો અને કહો છો કે દેશ બુલડોઝરથી નહીં ચાલે. આ વ્યાખ્યાનમાં મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સરકાર ન્યાયાધીશની ભૂમિકા ભજવી શકે નહીં. CJIએ SCના અગાઉના ચુકાદાની પ્રશંસા કરી હતી, જેમાં સ્પષ્ટ સંદેશ અપાયો હતો કે ભારતીય કાનૂની વ્યવસ્થા બુલડોઝરથી નહીં, પરંતુ કાયદાના શાસનથી ચાલે છે.
મધ્યપ્રદેશના ખજુરાહોમાં જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિની પુનઃસ્થાપનની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન CJIએ તાજેતરમાં કરેલી ટીપ્પણીનો દેખિતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દૈવી શક્તિએ તેમને CJI વિરુદ્ધ આ કૃત્ય કરવાનું કહ્યું હતું. આ અરજી ફગાવી દેવાઈ તે અન્યાય હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આ મારી પ્રતિક્રિયા હતી. હું ડરતો નથી અને મને કોઈ અફસોસ નથી. અહીં ઉલ્લેખનીય છે કે CJIએ તેમની ટીપ્પણી અંગે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇરાદો કોઇપણ ધર્મનો અનાદર કરવાનો ન હતો.
કિશોરે દાવો કર્યો કે હિન્દુઓ એક હજાર વર્ષથી નાના સમુદાયોનો ગુલામ રહ્યો છે. આપણી ઓળખ પોતે જ જોખમમાં હોય ત્યારે હું ઇચ્છું છું કે કોઈ પણ સનાતની પોતાના ઘરોમાં ચૂપ ન રહે. તેમણે જે કંઈ કરી શકે તે કરવું જોઈએ. જોકે હું કોઇને ઉશ્કેરતો નથી.
જાતિ એક પરિબળ હોવા અંગેના સવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે સીજેઆઈ દલિત નથી. તેઓ પહેલા સનાતની હિન્દુ હતાં. પછી તેમણે પોતાનો ધર્મ છોડી દીધો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેઓ હજુ પણ દલિત કેવી રીતે છે?
