શિલ્પા શેટ્ટી
(Photo by CHRIS RATCLIFFE/AFP via Getty Images)

મુંબઈ પોલીસે રૂ.૬૦ કરોડના છેતરપિંડી કેસના સંદર્ભમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી હતી. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેના પતિ રાજ કુન્દ્રા સાથે મળીને સ્થાપેલી કંપનીની જવાબદારી તે સંભાળતી નથી.

અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસની આર્થિક ગુના શાખા (EOW)ની એક ટીમે 4 ઓક્ટોબરના રોજ અભિનેત્રીના નિવાસસ્થાને તેનું નિવેદન નોંધ્યું હતું અને ચાર કલાકથી વધુ સમય સુધી તેની પૂછપરછ કરી હતી. અભિનેત્રીએ પોતાનું નિવેદન આપ્યું હતું તથા પ્રશ્નોના જવાબ અને સહાયક દસ્તાવેજો રજૂ કર્યા હતાં. પોલીસે દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.

આ સેલિબ્રિટી કપલ પર તેમની હાલ બંધ થયેલી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ માટે રોકાણ સોદા સાથે જોડાયેલા કેસમાં એક ઉદ્યોગપતિ સાથે લગભગ 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે 2015થી 2023ની વચ્ચે, દંપતીએ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાના બહાને તેમની પાસેથી 60 કરોડ રૂપિયા લીધા હતા. દંપતીએ કથિત રીતે આ પૈસા લોન તરીકે લીધા હતાં પરંતુ બાદમાં કર બચતનો હવાલો આપીને તેને રોકાણ તરીકે દર્શાવ્યા હતાં.કોઠારીના જણાવ્યા મુજબ, તેમને ખાતરી આપવામાં આવી હતી કે પૈસા ચોક્કસ સમયની અંદર 12% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવામાં આવશે અને શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016માં તેમને લેખિતમાં વ્યક્તિગત ગેરંટી આપી હતી. પરંતુ થોડા મહિનામાં શિલ્પા શેટ્ટીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.

LEAVE A REPLY