
ભારતની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરે 8 ઓક્ટોબરે દિવાળીના ઉત્સવ પહેલા મુંબઈમાં દીવા પ્રગટાવીને ભારત અને યુકે વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી હતી. સ્થાનિક મહાનુભાવો અને સાંસ્કૃતિક નેતાઓથી ઘેરાયેલા સ્ટાર્મરે આ અંગેના વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતી તથા બંને દેશોને એક કરતા સહિયારા ઇતિહાસ, મૂલ્યો અને લોકો વચ્ચેના સંબંધોની ઉજવણી કરી હતી.
મુંબઈએ બ્રિટિશ વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક એક વીડિયોમાં જારી કર્યો હતો. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે મુંબઈએ બ્રિટિશ વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. X પર ક્લિપ શેર કરતા જયસ્વાલે લખ્યું હતું કે મુંબઈ યુકેના પીએમનું ખાસ સ્વાગત કરે છે. ૩૯ સેકન્ડના આ વીડિયોમાં મુંબઈમાં રસ્તાની બાજુમાં લાગેલા મોટા બિલબોર્ડ જોવા મળે છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડા પ્રધાન સ્ટાર્મરના ફોટા છે અને તેના પર ઉષ્માભર્યું સ્વાગતના સંદેશ લખેલો છે. મરીન ડ્રાઇવ અને આસપાસના વિસ્તારોમાં બેનરો લાગવામાં આવ્યાં હતાં, જેમાં લખ્યું હતું “યુકેના પીએમ કેર સ્ટાર્મરનું ભારતમાં સ્વાગત છે.”
સ્ટાર્મરે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી અને ભારત-યુકે વેપાર ભાગીદારીને “ખરેખર મહત્વપૂર્ણ” ગણાવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં બોલતા તેમણે કહ્યું હતું “ભારતમાં યુકેનું આ સૌથી મોટું વેપાર મિશન છે.”આ વર્ષે જુલાઈમાં બંને દેશો વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ને “ખરેખર મહત્વપૂર્ણ” ગણાવતાં સ્ટાર્મરે કહ્યું હતું કે “યુરોપિયન યુનિયન છોડ્યા પછી આ અમારા દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો સોદો છે. મને લાગે છે કે તે ભારત દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો સોદો પણ છે, તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
મુંબઈના તાજમહેલ પેલેસમાં તેમની વાતચીત દરમિયાન એક હળવાશભર્યા ક્ષણમાં, સ્ટાર્મરને એક ડિસ્પોઝેબલ કેમેરા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યાં હતાં.
